અમદાવાદ, તા.૧૬
હાર્દિક પટેલની કથિત સીડી કાંડ મામલે હાર્દિકના સમર્થનમાં આવેલા દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનેક મુદ્દે આડેહાથ લઈ બંધારણ અને લોક તંત્રને બચાવવા સંઘ પરિવાર અને ભાજપને સત્તાથી દૂર રાખવા પડશે તેમ દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.
દલિત નેતા જીગ્નેશ મેવાણીએ દિલ્હીમાં ગુજરાત મોડેલ અને ભાજપના ૨૨ વર્ષના શાસન પર આકરા પ્રહારો કર્યા હતા. જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે ભાજપે છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતના વિકાસના નામે તેનો વિનાશ કર્યો છે. જેના લીધે આજે રાજ્યમાં બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટ્રાચાર અને કોર્પોરેટ લૂંટ તથા મોંઘવારીથી લોકો ત્રસ્ત છે. તેમણે આ મુદ્દે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને વિજય રૂપાણીને આડે હાથે લેતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૦માં ગુજરાતમાં ૨૬ લાખ બીપીએલ કાર્ડ હતા જે વર્ષ ૨૦૧૪-૧૫માં વધીને ૪૧ લાખ કેવી રીતે થયા.
જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન મોદી પર સાંપ્રદાયિક કાર્ડ રમવાનો અને વિકાસના મુદ્દે ચર્ચાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ મૂક્યો હતો. તેમણે આ મુદ્દે પડકાર ફેંક્યો હતો તે દેશના કોઈપણ ખૂણે વિકાસ મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા માટે તૈયાર છે કે વિકાસ મોડેલ કેવું હોવું જોઈએ.
જીગ્નેશ મેવાણીએ કહ્યું કે જો દેશના બંધારણ અને લોકતંત્રને બચાવવું હોય તો સંઘ પરિવાર અને ભાજપને કોઈપણ રીતે વર્ષ ૨૦૧૯માં સત્તામાં આવવાથી રોકવું પડશે. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૯ના કામ કરવા માટે અત્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં તેમને પછડાટ આપવી જરૂરી છે. કારણ કે ગુજરાત તેમનો ગઢ માનવામાં આવે છે.
આ ઉપરાંત ભાજપ સરકાર ગુજરાતના લોકોના મુખ્ય મુદ્દા મકાન, રોજગાર, અનાજ, શિક્ષણ અને સ્વાસ્થ્ય પરથી ધ્યાન દૂર કરીને ભાજપ વિકાસના નામે મત મેળવવા નીકળી છે. જીગ્નેશ મેવાણીએ હાર્દિક પટેલની સીડી અંગે બચાવ કરતા જણાવ્યું હતું કે ભાજપના લોકો બીજાના બેડરૂમ ગુપ્ત કેમેરા મૂકીને સીડી બનાવે છે અને તેને ફેલાવી રહ્યા છે.આ બાબત પરથી જ સાબિત થાય છે કે ગુજરાતમાં ભાજપ વિકાસના મુદ્દે વાત કરવા માગતી નથી.