(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૬
રાજ્ય સરકારના વાહન-વ્યવહાર વિભાગ દ્વારા વાહનોના લાયસન્સ રિન્યુ કરાવનારાને રાહત આપતો નિર્ણય લીધો છે. હવેથી રાજ્યની કોઈપણ આરટીઓ કચેરી ખાતેથી લાયસન્સ રિન્યુ કરાવનારા પોતાના વાહનોનું લાયસન્સ રિન્યુ કરાવી શકશે. જો કે આ માટે પહેલાંથી એપોઈન્ટમેન્ટ લેવાની વ્યવસ્થા અમલમાં જ રાખવામાં આવી છે. એટલે કે નોકરી-ધંધા અર્થે વતનથી દૂર રહેતા લોકોને લાયસન્સ રિન્યુ કરાવવાનું હવે સરળ બની રહેશે.
રાજ્યના વાહનચાલક મિત્રો માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કરતાં રાજ્યના વાહનચાલકો કોઈપણ આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરાવી શકશે. જેનાથી નાણાં, શક્તિ અને સમયની બચત થશે.
વાહનચાલકોએ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યા બાદ નોકરી, લગ્ન, ધંધા, રોજગાર અર્થે મૂળ કાર્યક્ષેત્રની બહાર જવું પડતું હોય છે ત્યારે ડ્રાઈવિંગ લાયસન્સની મુદ્દત પૂરી થઈ જાય અને આ માટે રિન્યુ કરાવવા મૂળ કચેરીમાં આવવું પડતું હતું તેને ધ્યાનમાં લઈને આ મહત્ત્વનો નિર્ણય કરાયો છે. આ નિયમ આજથી તા.૦૭/૦૬/ર૦૧૮થી અમલી થશે જેના દ્વારા નાગરિકો ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ તેમજ નામ પણ બદલી શકશે પરંતુ મૂળ લાયસન્સનો નંબર, હયાત વર્ગ, જન્મતારીખ, ઈસ્યુ તારીખ બદલી શકાશે નહીં. અરજદારે parivahan.gov.in વેબસાઈટ ઉપર જે કચેરીમાં ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરાવવા જવું હોય તે કચેરી સિલેક્ટ કરી ઓનલાઈન જરૂરી એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. તેમ વાહનવ્યવહાર કમિશનર કચેરી દ્વારા જણાવાયું છે.