(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૭
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈઝરાયેલના પ્રવાસે જતાં જ ભાજપમાં ભડકાની સ્થિતિ ઊભી થવા પામી છે. ભાજપના વડોદરાના ત્રણ ધારાસભ્યોની નારાજગી સામે આવી છે. છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી અધિકારીઓ કામ માટે ટલ્લે ચડાવતા અને અવગણના કરતાં હોવા છતાં કોઈ સાંભળતું ન હોઈ નારાજ ત્રણેય ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજી હતી અને તેમના જણાવ્યા અનુસાર અન્ય કેટલાય ધારાસભ્યો નારાજ છે અને તેઓ અમારી સાથે છે. સરકાર તરફથી મોડેથી તેમનો સંપર્ક કરાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. વડોદરાના ભાજપના ધારાસભ્યો મધુ શ્રીવાસ્તવ, યોગેશ પટેલ અને કેતન ઈનામદારની તંત્ર સામેની નારાજગીની વિગતો બહાર આવતા રાજ્યમાં ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. વડોદરામાં આ ત્રણેય નારાજ ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજી આગળ શું કરવી તેની રણનીતિ નક્કી કરવા ચર્ચાઓ કરી હતી. છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ પોતાના કામો કરતા નથી અને કામ માટે તેઓ ટલ્લે ચડાવે છે તેમ જણાવતા આ ધારાસભ્યોએ વધુમાં જણાવ્યું હતું કે, અધિકારીઓ અમારા ફોન જ નથી ઉપાડતા. કામ માટે સીએમઓ (મુખ્યમંત્રી કાર્યાલય)માં અમારે લાઈનમાં રહેવું પડે છે. વારંવાર પત્રો લખવા છતાં કોઈ સાંભળતું નથી. રજૂઆત કર્યાને છ મહિના થયા છતાં પણ કામ થયેલ નથી. અધિકારીઓની ચામડી જાડી થઈ ગઈ છે એટલે કામ કરતા નથી એમ ધારાસભ્યોએ વધુમાં જણાવ્યું હતું. પોતાની જ સરકારમાં કામો ના થતાં નારાજ થયેલ આ ધારાસભ્યો જણાવે છે કે તેઓ સિવાય અન્ય ઘણા ધારાસભ્યો પણ નારાજ છે અને અમારી સાથે જ છે. તેઓ બધા આવતીકાલે ભેગા થવાના છે. આ સમગ્ર મામલે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરવાનું પણ ધારાસભ્યએ મન બનાવી લીધું છે. વડોદરાના આ ત્રણ ધારાસભ્યોની નારાજગી અંગેના સમાચારો ઝડપથી ફેલાતા રાજ્ય સરકારના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેઓનો સંપર્ક કરી વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો ભાજપના સૂત્રોમાંથી મળી રહી છે ત્યારે હવે આગામી સમયમાં ધારાસભ્યોની નારાજગી વધુ ભડકે અને કંઈક નવાજૂની કરે છે કે પછી બધુ ઠારી દેવાશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે.