(એજન્સી) જેરૂસલેમ, તા.ર૪
ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુને રવિવારે સંવેદનશીલ જેરૂસલેમના પવિત્ર સ્થળ પર થયેલા હુમલા બાદ સુરક્ષાના પગલાંઓને લઈને વધતા દબાણનો સામનો કરવો પડ્યો હતો. આ હિંસાત્મક સપ્તાહને અંતે આઠ લોકોનાં મોત નિપજ્યા હતા. જેને પગલે પ્રદેશમાં અશાંતિનો માહોલ સર્જાયો છે.
ઈઝરાયેલી અધિકારીઓએ એવા સંકેત આપ્યા છે કે, તેઓ ઈસ્લામિક પવિત્ર સ્થળ હરમ અલ-શરીફ મસ્જિદના પ્રવેશદ્વાર પરની સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરશે. અલ-અક્સા મસ્જિદના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવેલ મેટલ ડિટેક્ટર્સ બાદ રોષે ભરાયેલા પેલેસ્ટીનીઓએ ઈઝરાયેલી સૈનિકો પર હુમલો કરતાં, તેમાંના બે સૈનિકો માર્યા ગયા હતા.
જો કે, રવિવારે પણ આ મેટલ ડિટેક્ટર્સ આ પવિત્ર સ્થળ પર યથાવત્ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત જેરૂસલેમના ઓલ્ડ સિટીમાં આવેલ આ પવિત્ર સ્થળના એક પ્રવેશદ્વાર પર કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી.
ઈઝરાયેલના મેજર જનરલ યોઆવ મોર્ડેચાઈ કે જેઓ કોગેટના પ્રમુખ છે તે તથા સંરક્ષણ મંત્રાલયની એજન્સી કે જે પેલેસ્ટીની ક્ષેત્રોમાં નાગરિકને લગતી બાબતો માટે જવાબદાર છે, તેમણે પોતાની નીતિઓમાં ફેરફાર કરવાના સંકેતો આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ આ નીતિઓમાં ફેરફાર કરવા માટે નવા વિકલ્પોને શોધી રહ્યા છે કે જે સુરક્ષાને સુનિશ્ચિત કરશે.
પેલેસ્ટીની રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે જાહેરાત કરી કે, તેઓએ પ્રદેશમાં ફેલાયેલી અંશાતિને રોકવા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે કે જે લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.