કાબુલ,તા. ૨૪
અફઘાનિસ્તાનના પશ્ચિમી કાબુલમાં તાલિબાની આત્મઘાતી કાર હુમલામાં ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થયા છે અને ૪૦થી વધારે લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામા ંઆવી છે. આવી સ્થિતીમાં મોતનો આંકડો વધે તેવી દહેશત છે. અફઘાન પાટનગરમાં ગૃહ મંત્રાલયના પ્રવકતાએ માહિતી આપી છે કે પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઇને ઉંડી તપાસ હાથ ધરી છે. શહેરના આ ભાગમાં અનેક સરકારી અધિકારીઓ રહે છે. આ વિસ્તારમાં શિયા સમુદાયના લોકો રહે છે. તાલિબાની ત્રાસવાદીઓએ રક્તપાતનો દોર જારી રહ્યો છે. તાલિબાની ત્રાસવાદીઓ પશ્ચિમી ટેકો ધરાવતી સરકારની સામે લડત ચલાવી રહ્યા છે. અફઘાનિસ્તાનના નિંયંત્રણ માટે નાટોના નેતૃત્વમાં ગઠબંધન સામે આ ત્રાસવાદીઓ લડત ચલાવી રહ્યા છે. તાજેતરના સમયમાં તાલિબાને દેશમાં અનેક જગ્યાએ ભીષણ હુમલા કર્યા છે. અફઘાનિસ્તાનમાં હાલ અડધા ડઝનથી વધારે પ્રાંતોમાં લડાઇ ચાલી રહી છે. ગૃહ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ છે કે બ્લાસ્ટમાં ૨૪ લોકોના મોત થયા છે અને ૪૦થી વધારે લોકો ઘાયલ થયા છે. મોતના આંકડાને લઇને વિરોધાભાસી હેવાલ આવી રહ્યા છે. કારણ કે જુદા જુદા વિભાગના અધિકારીઓ જુદા જુદા નિવેદન કરી રહ્યા છે. શહેરની હોસ્પિટલના ડિરેક્ટર સલીમ રસુલે કહ્યુ છે કે ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે અને ૧૭ લોકો ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાની ત્રાસવાદીઓ વર્ષોથી સક્રિય રહ્યા છે. તેમની પાસે ઘાતક હથિયારો પણ રહ્યા છે. સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને તેમના દ્વારા વારંવાર હુમલા કરાયા છે.