ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે શુક્રવારની નમાઝ વખતે બે મસ્જિદમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકો માટે આજે બપોરે ૩ કલાકે લાલદરવાજા સિદી સઈદની મસ્જિદ ખાતે કુર્આન શરીફનું પઠન કરવામાં આવ્યું હતું અને દુઆ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે ૪ કલાકે સિદી સઈદની જાળી, લાલદરવાજા ખાતે આતંકવાદ વિરૂદ્ધ મૌન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ન્યુઝીલેન્ડમાં બનેલ આતંકવાદી ઘટનાથી પ્રસ્થાપિત થાય છે કે આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી અને તેઓ ફકત માનવતાના દુશ્મન છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિદી સઈદની મસ્જિદ ખાતે પ્રાર્થના કરવામાં આવી હતી કે ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી આતંકવાદી પ્રવૃતિઓ નેસ્તનાબુદ થાય અને નિર્દોષ લોકોનું રેડાતું બંધ થાય. ધર્મના નામે થતી આતંકવાદી પ્રવૃતિઓ કરનારાઓને કુદરત પણ માફ કરશે નહીં. સમગ્ર વિશ્વમાં શાંતિ, ભાઈચારા અને અમનનો માહોલ પ્રવર્તમાન થાય અને શૈતાની કૃત્ય કરનારા લોકોને કુદરત સદબુદ્ધિ આપે. ઉપરોકત કાર્યક્રમમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, મ્યુનિ. કોર્પોરેશન વિપક્ષના નેતા દિનેશ શર્મા, અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર રાજુભાઈ પરમાર અને પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા બદરૂદ્દીન શેખ, ઈકબાલ શેખ એડવોકેટ, મ્યુનિસિપલ કાઉન્સિલરો, કોંગ્રેસના કાર્યકરો તેમજ શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.