(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૦
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે તંગદિલી છે પણ મારા મતે પહેલાં કરતા હાલમાં તંગદિલી ઓછી છે જે બે અઠવાડિયા પહેલાં હતી એનાથી ઓછી છે. હું બન્ને દેશોના સંપર્કમાં છું. જો એ ઈચ્છતા હોય તો હું મધ્યસ્થી થઈ મદદ કરી કાશ્મીર મુદ્દો ઉકેલી આપું. ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું. જ્યારથી ભારત સરકારે અનુ.૩૭૦ રદ કરી છે ત્યારથી ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી પ્રવર્તી રહેલ છે. ભારત-પાક. વચ્ચે કાશ્મીર મુદ્દે ત્રણ વખત યુદ્ધ થઈ ચૂકયું છે. ભારતે કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરતા પાકિસ્તાને ભારત સાથેના સંબંધો તોડી નાંખ્યા છે. એમણે યુએનએસસીમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને હવે યુએનએચસીઆરમાં પણ મુદ્દો ઉઠાવશે. ટ્રમ્પ અને મોદી ફ્રાન્સમાં મળ્યા હતા, એ મુલાકાત પછી કાશ્મીર બાબત ટ્રમ્પની પહેલી ટિપ્પણી છે. મોદી સાથે મળ્યા પછી ટ્રમ્પે કહ્યું હતું કે, મેં જી.૭ની મીટિંગમાં ભારત-પાક. વચ્ચે તંગદિલી ઘટાડવા મદદ કરવા ઓફર કરી હતી. પણ મોદીએ તે વખતે ટ્રમ્પને કહ્યું હતું કે, આ અમારો આંતરિક મામલો છે અમે દ્વિપક્ષીય રીતે ઉકેલીશું. અન્ય ત્રીજા દેશની દરમિયાનગીરીની જરૂર નથી. આ પહેલાં પણ બે વખત ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની ઓફર કરી હતી. સૌથી પહેલાં એમણે જુલાઈ મહિનામાં કહ્યું હતું કે, મને મોદીએ મધ્યસ્થી માટે કહ્યું છે. જે વાતને ભારત સરકારે રદ કરી હતી. ર૦મી ઓગસ્ટે ટ્રમ્પે ફરીથી કહ્યું કાશ્મીર કટોકટી એક મોટો સોદો છે અને પરિસ્થિતિને વિસ્ફોટક ગણાવી હતી.