(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૭
રાજ્યના આયુર્વેદની સારવાર કરાવતા દર્દીઓનો જ્યાં મોટા પ્રમાણમાં ધસારો રહે છે તે અમદાવાદના લાલદરવાજા વિકટોરિયા ગાર્ડન સામે આવેલી ગુજરાતની સૌથી મોટી સરકારી આયુર્વેદ હોસ્પિટલ (અખંડાનંદ)નું આગામી સમયમાં નવીનીકરણ કરવાની રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ આજે જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે સવારે અખંડાનંદ કોલેજ અને મણિબહેન હોસ્પિટલની પ્રત્યક્ષ મુલાકાત લીધા બાદ આ મહત્ત્વની જાહેરાત કરી હતી. લગભગ પંચાવન વર્ષ જૂની અખંડાનંદ કોલેજ અને હોસ્પિટલની જર્જરીત ઈમારતના નવીનીકરણ માટે થયેલી રજૂઆતને ધ્યાનમાં લઈ તેમણે આ મુલાકાત લીધી હતી. સરકારી અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલના દર્દીઓ અને સરકારી અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે આજે સ્થળ – સ્થિતિના નિરીક્ષણ માટે તેઓ પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મ, ઓ.પી.ડી., થેલેસેમિયા ક્લિનિક જેવા વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત પાર્કિંગ અને ઓડિટોરિયમમાં જઈ સ્વંય પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં સાંસ્કૃતિક વારસો ધરાવતી મહત્ત્વપૂર્ણ ઈમારતો હોવાથી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાનો પણ અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તેમણે દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓ વિશે દર્દીઓ સાથે સંવાદ કરી દર્દીઓને પડતી મુશ્કેલીઓ જાણી આ બાબતે શું કરી શકાય તે વિશે ચર્ચા કરી આરોગ્ય વિભાગ તરફથી જરૂરી સગવડો પૂરી પાડવાની ખાતરી આપી હતી.