(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપે તો બે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, પરંતુ કોંગ્રેસમાં હજી ઉમેદવારો માટે ઊકળતો ચરૂ છે. ભાજપ ત્રીજી બેઠક અંકે કરવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડશે તેવી ચર્ચા વચ્ચે જ્ઞાતિના આગેવાનોએ કોંગ્રેસનું નાક દબાવવાનું શરૂ કર્યું છે. ત્યારે અકળાયેલા ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે સ્પષ્ટપણે મન મનાવી લીધુ છે કે જે ધારાસભ્યોને કોંગ્રેસ છોડીને જવું હોય તો જઈ શકે છે. કોઈને મનાવવામાં આવશે નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશન, વિધાનસભા, લોકસભા કે રાજ્યસભાની ચૂંટણી હોય કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગી માથાનો દુઃખાવો બને છે. એ જ રીતે હાલ રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ પોતાની જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવા દબાણની રાજનીતિ શરૂ કરતા રાજકારણ ગરમાયું છે. ભાજપે તેના ભાગે કાયદેસરની આવતી બે બેઠકોના ઉમેદવારોના નામ આજરોજ જાહેર કરી દીધા છે. જેમાં રાજકોટના વકીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની નજીકના ગણાતા અભય ભારદ્વાજ અને આદિવાસી અગ્રણી રમીલાબેન બારાના નામની જાહેરાત કરી છે. બીજી તરફ ભાજપ ત્રીજી બેઠક જીતવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને તોડી શકે છે, તેવી ચર્ચા વહેતી થતાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાવધ થઈ ગયા છે. કોંગ્રેસના પાટીદાર, ઓબીસી, આહિર સહિતની જ્ઞાતિના આગેવાનો અને ધારાસભ્યોએ તેમની જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવા માગણી કરી છે. જો કે, કેટલાક આગેવાનો દ્વારા અપનાવાતી દબાણની રાજનીતિથી પ્રભારી રાજીવ સાતવ બરાબરના અકળાઈ ગયા છે અને જ્ઞાતિ આધારિત દબાણની રાજનીતિને તાબે ન થવા માટે નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચારે બાજુના દબાણથી કંટાળેલા સાતવે જે લોકો મનથી કોંગ્રેસ સાથે જોડાયેલા ન હોય તેવા લોકોને ન રોકવાની સૂચના આપી છે. તેમના માનવા મુજબ ભંગાણ થશે તો કોંગ્રેસના અગાઉ કરતા વધુ મજબૂત બનશે. આથી જે ધારાસભ્યોને કોંગ્રેસ છોડીને જવું હોય તો જવા દેવા જોઈએ.