સિડની, તા. ૨૨
ક્રિકેટ જગતમાં વિરાટ કોહલી અને સ્ટીવન સ્મિથ સફળ પ્લેયરોમાં પોતાનું નામ ધરાવે છે. આ બન્ને દિગ્ગજ પ્લેયર વચ્ચે નંબર વન મેળવવા માટે પણ સતત રસાકસી જોવા મળે છે. એકબીજાના વિરોધમાં રમતા આ બન્નેે વચ્ચે દોસ્તી પણ સારી એવી છે. કોહલી વિશે વાત કરતાં સ્મિથે કહ્યું કે, ‘મેદાન બહાર કોહલી સાથે મારી ઘણી વાતચીત થતી હોય છે. ભારતમાં પરિસ્થિતિ કેવી છે એ વિશે પણ મેં થોડા સમય પહેલાં વાત કરી હતી. તે એક જબરદસ્ત પ્લેયર છે અને અમે મેદાનમાં એક સારો સમય પસાર કર્યો છે. આ ઉપરાંત અમે અમારી ટીમ માટે શક્ય એટલું સારુંં રમવાનો પ્રયત્ન કરીએ છીએ. વર્લ્ડકપમાં મને અને ડેવિડ વૉર્નરને ઈન્ડિયન દર્શકો હેરાન કરી રહ્યા હતા, પરંતુ કોહલીનું વર્તન અમને ઘણું ગમી ગયું હતું. અમે તેનાં વખાણ પણ કર્યાં હતાં. તે ખરેખર એક ઉમદા પ્લેયર છે અને તેની સાથે રમવા હું ઘણો આતુર છું. આ વર્ષે ઑસ્ટ્રેલિયા પણ ઘણું સારું પર્ફોર્મ કરીને આગળ આવી શકે છે. ખરુંં કહું તો કોહલી ત્રણે ફોર્મેટમાં શાનદાર રમત રમી જાણે છે. તેણે ઘણા રેકૉર્ડ પણ તોડ્યા છે અને ભવિષ્યમાં હું તેને બીજા અન્ય રેકૉર્ડ તોડતા જોવા માગીશ. તેને રનની ભૂખ છે અને તેને અટકાવવો ઘણો અઘરો છે. તેમ છતાં જો અમે તેને અટકાવી શક્યા તો એ અમારા માટે સારી નિશાની છે.’