અમદાવાદ, તા.ર૪
ચીનની અવળચંડાઈને લીધે સરહદ ઉપર ભારતીય સૈનિકો શહીદ થતાં જ દેશભરમાં ચીન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાની ઝુંબેશ પણ લોકોએ શરૂ કરી દીધી છે પરંતુ અમદાવાદમાં કરણીસેના દ્વારા ચીની વસ્તુઓનો વિરોધ કરવા અમદાવાદમાં મોબાઈલના સૌથી મોટા માર્કેટ ગણતા મૂર્તિમંત કોમ્પલેક્ષમાં દુકાનો જબરજસ્તી બંધ કરાવી હતી. પ્રદર્શનકારી મોટી સંખ્યામાં દુકાનો બંધ કરાવવા આવતા સોશિયલ ડિસ્ટન્સીંગના લીરેલીરા ઉડ્યા હતા. જો કે, વિરોધ કરવાની પણ એક રીત હોય છે. ત્યારે પોતાનો રોષ વેપારીઓ ઉપર કાઢવાની રીત કેટલી હદે યોગ્ય કહેવાય ?
પ્રાપ્ત વિગતો મુજબ દેશભરમાં ચીન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને તે બાદ હવે દેશભરમાં ચીની વસ્તુઓનાં બહિષ્કારની અગનજ્વાળા ઉઠી છે. તેવામાં અમદાવાદમાં પણ કરણી સેના દ્વારા ચીની વસ્તુઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને અમદાવાદમાં મોબાઈલનું સૌથી મોટું માર્કેટ ગણાતું મૂર્તિમંત કોમ્પેલક્સમાં દુકાનો બંધ કરાવી હતી. પણ કોરોના મહામારી વચ્ચે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠાં થતાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા તો ઉડ્યા જ હતા. પણ પોલીસ પણ મૂકપ્રેક્ષક બની રહી હતી. અમદાવાદ શહેરના રિલીફ રોડ પર આવેલું મૂર્તિમંત કોમ્પલેક્સ મોબાઈલનાં વેચાણ તેમજ રિપેરીંગ માટે જાણીતું છે. અહીં મોટાભાગે ચીની મોબાઈલ અને ચીનનાં પાટ્ર્સનો ઉપયોગ થતાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. અને મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકોર મૂર્તિમંત કોમ્પલેક્સ આગળ એકઠાં થઈ આખું કોમ્પલેક્સ બંધ કરાવ્યું હતું. જેને કારણે વેપારીઓ પણ તાત્કાલિક દુકાનો બંધ કરીને જતાં રહ્યા હતા. અમદાવાદનું મૂર્તિમંત કોમ્પલેક્સ ચાઈના માર્કેટ તરીકે પણ ઓળખાઈ છે. અમદાવાદમાં કોરોનાની મહામારી બેકાબૂ છે. તેવામાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠાં થતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. કેટલાંકે તો મોઢા પર માસ્ક પણ પહેર્યું ન હતું. તો આ સમયે ત્યાં હાજર પોલીસ પણ તમાશો જોયા વગર કાંઈ કરી શકી ન હતી. જો હવે કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિ અહીં હોય તો અનેક લોકો ચેપનો શિકાર બની શકે છે. અને લોકડાઉન બાદ હાલ દુકાનો શરૂ કરી હતી ત્યાં જ ફરીથી દુકાનો બંધ કરવામાં આવતાં વેપારીઓ પર પડદાં પર પાટું પડ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, કોઈપણ વસ્તુનો બહિષ્કાર કરવો હોય તો પહેલાં સ્વેચ્છાથી કરવો જોઈએ ત્યારે વિરોધ કરવા આદેલા પ્રદર્શનકારીઓએ શું પોતે ચીનના પાર્ટસથી બનેલા મોબાઈલ ફોનનો બહિષ્કાર કર્યો છે ? ચીનનો વિરોધ કરવાના નામે વેપારીઓને પરેશાન કેવી રીતે કરી શકાય ? વિરોધ કરવા હોય તો ચીનનો સામાન આયાત કરનારા સામે કરવો જોઈએ અને ચીનથી સામાનને આયાત કરવાની મંજૂરી આપનારી સરકાર સામે વિરોધ કરવો જોઈએ કે કેમ ? આવા તો અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે બીજાને ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાની શીખ આપનારા પ્રદર્શનકારીઓએ પોતે કેટલી ચીનની વસ્તુઓનો બહિષ્કાર કર્યો તે જાહેર કરવું જોઈએ.