અમદાવાદ, તા. ૩
અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં કોમ્પ્યુટર કે ઈન્ટરનેટને લગતું જ્ઞાન ન હોવા છતાં લોકો ર્સફિંગ કરવા જાય છે. આવા લોકો આખરે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. આવો જ એક કિસ્સો એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જ્યાં એક વેપારીને ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓનલાઇન અરજી કરવી ભારે પડયું છે. આ વેપારી ઠગબાજોની જાળમાં ફસાઈ જતા ૯૯,૯૯૯ રૂપિયા ખોવાનો વારો આવ્યો છે. સરદારનગરમાં રહેતા વિનયભાઈ વરધાની કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત ૧ ફેબ્રુઆરીના રોજ નાગપુર ખાતે આવેલી હલ્દીરામ નમકીન કંપનીની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેમણે ઓનલાઈન અરજી કરી હતી. આ જ દિવસે તેમને એક ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ દેવરાજકુમાર સિંગ જણાવ્યું હતુ અને પોતે ફ્રેન્ચાઇઝી ડિવિઝનમાં બેસી તે વિભાગનું કામકાજ સંભાળતા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમને એક ફોર્મ ભરવાનું કહી ફોર્મ વોટ્સએપ પર મોકલી આપ્યું હતું. આ સાથે એવું પણ જણાવ્યું હતું કે ૯૯,૯૯૯ રૂપિયા ભરવાના રહેશે. બાદમાં વિનયભાઈએ માર્ચ મહિનામાં આ નાણાં ભરી ફોર્મ ભર્યું હતું. બાદમાં ધ્યાને આવ્યું કે, આવી કોઈ વ્યક્તિ આ કંપનીમાં કામ નથી કરતી અને પોતે ઠગબાજોનો ભોગ બન્યા છે. જેથી તેમણે સાઈબર ક્રાઈમમાં આ અંગે અરજી આપ્યા બાદ હવે એરપોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધી આ ટોળકી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.