સાઉથૈમ્પટન,તા.૧૩
ફટાફટ ક્રિકેટ એટલે કે ટી૨૦ની માહિર વેસ્ટઈન્ડિઝ ટીમે વનડે વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ચોંકાવતા પ્રથમ ટેસ્ટ મેચ પોતાના નામે કરી લીધી છે. કોરોના વાયરસને કારણે ૧૧૭ દિવસ બાદ ક્રિકેટની વાપસી થઈ હતી અને મહેમાન ટીમે યજમાન ટીમને ચાર વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે ક્રિકેટના નવા અધ્યાયની જીત તેના નામે થઈ ગઈ છે. ઈંગ્લેન્ડે તેને ૨૦૦ રનનો લક્ષ્ય આપ્યો હતો, જેને તેણે ૬૪.૨ ઓવરોમાં ૬ વિકેટના નુકસાન પર ૨૦૦ રન બનાવીને હાસિલ કરી લીધો હતો. બંન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ ૧૬ જુલાઈથી ઓલ્ડ ટ્રેફર્ડમાં જૈવિક વાતાવરણમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે બ્લેકવુડે સૌથી વધુ ૧૫૪ બોલમાં ૧૨ ચોગ્ગાની મદદથી ૯૫ રન બનાવ્યા, જ્યારે રોસ્ટન ચેઝના નામે ૮૮ બોલમાં ૩૭ રન રહ્યાં હતા. જેસન હોલ્ડરે અણનમ ૧૪ અને ડોવરિચે અણનમ ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ ઝડપી, જ્યારે કેપ્ટન સ્ટોક્સના ખાતામાં બે વિકેટ હતી. આ પહેલા ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ૨૦૪ રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં ૩૧૩ રન. બીજીતરફ વિન્ડીઝે પ્રથમ ઈનિંગમાં ૩૧૮ રન બનાવ્યા અને તેને ૨૦૦ રનનો લક્ષ્ય મળ્યો હતો.