વડોદરા,તા.૩૦
શહેરના ન્યુ વીઆઇપી રોડ પર રહેતી ૧૪ વર્ષની સગીરાને ભગાડી જઇને પાવાગઢ લઇ ગયા બાદ ત્યાંના એક ગેસ્ટ હાઉસમાં બળાત્કાર કરનાર ન્યુ વીઆઇપી રોડ પર જ રહેતા ૨૦ વર્ષના યુવકને વડોદરા કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
આ ઘટના દોઢ વર્ષ પહેલાની છે. ભોગ બનનાર કિશોરીની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૪મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કિશોરીના પિતાના મોબાઇલ ફોન પર અમીત ભુપેન્દ્રભાઇ પ્રજાપતિ (ઉ.૨૦, રહે. ખોડિયારનગર વિભાગ-૨ ન્યુ વીઆઇપી રોડ)નો ફોન આવ્યો હતો કે તમારી છોકરીના મારી સાથે લગ્ન કરાવી આપો નહીતર જાનથી મારી નાખીશ. કિશોરી ધો.૧૦મા અભ્યાસ કરતી હતી અને તે જે સ્થળે ટયૂશન ક્લાસમાં જતી હતી ત્યાં આ અમીત પણ અડ્ડો જમાવીને બેસી રહેતો હતો. ફોન પર ધમકી મળ્યાના બીજા દિવસે એટલે કે તા.૧૫ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કિશોરી સવારે ૬ વાગ્યે તેના ઘરેથી કોઇને કહ્યા વગર જતી રહી હતી. જે બાદ અમીત પ્રજાપતિના ઘરે તપાસ કરતા અમીત પણ ઘરે હતો નહી.
આ દરમિયાન બીજા દિવસે કિશોરીના કાકાએ કિશોરીના પિતાને ફોન કરીને માહિતી આપી હતી કે અમીત અને બન્ને જણ બાઇક પર ભણીયારા ગામથી વડોદરા તરફ આવી રહ્યા છે એટલે તા.૧૬ જાન્યુઆરીએ બપોરે કિશોરીના પિતા, કાકા અને અન્ય સંબંધીઓ હરણી એરપોર્ટ પાસે ઊભા રહી ગયા હતા આ દરમિયાન બપોરે એક વાગ્યાના અરસામાં અમીત અને કિશોરી બન્ને બાઇક પર આવતા તેમને આંતરવામાં આવ્યા હતા જે બાદ ઝપાઝપી પણ થઇ હતી. આ દરમિયાન કિશોરીના પિતાએ પોલીસ બોલાવી લેતા પોલીસે અમીતની અટકાયત કરી હતી જે બાદ અમીત સામે પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. અમીત ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો. આ કેસ વડોદરાની પોસ્કો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ જજ (પોસ્કો)એ અમીતને કિશોરી પર બળાત્કાર અને અપહરણના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.