વડોદરા, તા.૩૦
વડોદરામાં કોરોનાની એન્ટ્રીને પાંચ મહિના થઇ ગયા છતાં પણ કોવિડ ગાઇડ લાઇનના ભંગના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. જેમાં આજે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજીમાં ભયંકર ક્ષતી સામે આવી હતી. કોરોનાની સારવાર હેઠળ દર્દીનું મોત થતા તેની લાશને આઇસીયુ વોર્ડમાંથી બહાર લાવીને પેક કર્યા વગર ખુલ્લી જ મૂકી દેવામાં આવી હતી. એસએસજી હોસ્પિટલમાં આવેલા સોનોગ્રાફી વિભાગ બહાર આજે સવારે લાશને સ્ટ્રેચર પર ખુલ્લી જ મુકી દેવામાં આવી હતી જેના પર કપડુ પણ ઢાંકવામાં આવ્યુ ન હતુ. સોનોગ્રાફી વિભાગમાં મોટાભાગે ગર્ભવતિ મહિલાઓની જ અવર જવર રહે છે. કોરોનાના દર્દીની લાશ લગભગ એક કલાક સુધી પડી રહી હતી અને આ દરમિયાન અનેક દર્દીઓ તથા સ્ટાફની અવર જવર રહી હતી. જો કે દર્દીના સંબંધી લાશને શોધતા આવી પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ લાશ તો કોરોનાના દર્દીની હતી એટલે દોડધામ મચી હતી અને અધિકારીઓને જાણ થતાં જ લાશને ત્યાંથી હટાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એસએસજી હોસ્પિટલ સતત વિવાદમાં રહેતી હોવાથી તેના સુપ્રિટેન્ડન્ટ રાજીવ દેવેશ્વરની બદલી કરી દેવામાં આવી છે તેમ છતાં પણ બેદરકારીના કિસ્સાઓ બંધ થયા નથી.