(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર, તા.૧૪
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચૂડા તાલુકામાં જાણે ભૂકંપનું એપી સેન્ટર હોઇ તેમ અવારનવાર હળવા આંચકા ઇન્ડિયન સીસ્મોલોજીકલ રીચર્સના ચોપડે નોંધાય છે. ૧૨મીએ બપોરે ૧૨ઃ૦૪ મિનિટે ૧.૯નો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ સાયલાનું થોરીયાળી ગામ હતું, જ્યારે બપોરે ૩.૨૮ સાયલાના મોટા કેરાળામાં ૨.૦ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ઉપરાંત જોરાવરનગરમાં પણ આંચકો આવ્યો હોવાનુંં લોકો માની રહ્યા છે. જોરાવરનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ફરજ બજાવતા કિશોરસિંહ મનુભા સિસોદિયા તેમના પરિવાર સાથે મંગળવારે રાત્રે સુતા હતા, ત્યારે અચાનક રાત્રે બે વાગ્યાની આસપાસ મોટા અવાજ સાથે થોડી જમીનમાં હલચલ થતાં તેમના ઘરમાં અંદાજે ૧૦ ફૂટ જેટલા વિસ્તારમાં ફલોરિંગ ટાઇલ્સ તૂટી ગઇ હતી. આ ઘટનાથી પરિવાર ભયભીત થઇને ફળિયામાં આવી ગયો હતો, જ્યારે આસપાસના મકાનોમાં પણ સામાન્ય તીરાડો પડી હતી. ઇન્ડિયન સીસ્મોલોજીકલ રીચર્સ સેન્ટરમાં જોરાવરનગરમાં આંચકાની કોઇ વિગતો નોંધાઇ નથી.