(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૬
અમદાવાદ શહેરના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ગોઝારી દુર્ઘટનામાં ‘ગુજરાત ટુડે’ દૈનિકને પ્રકાશિત કરતા લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટના ઉપપ્રમુખ અને હાઈકોર્ટના ખ્યાત એડવોકેટ મુહમ્મદ સુહેલ તિરમીઝીના પત્ની આયશાબહેન તિરમીઝી પણ મોતને ભેટયાં છે. કોરોનાને લીધે દાખલ કરાયેલા આયશા તિરમીઝીએ કોરોનાને તો મ્હાત આપી દીધી હતી, પરંતુ આગની દુર્ઘટનાએ તેમનો ભોગ લઈ લીધો.
આયશા તિરમીઝી છેલ્લા કેટલાક દિવસથી શ્રેય હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં હતાં. એ દરમ્યાન તેમની તબિયત ગંભીર પણ થઈ ગઈ હતી; તેમ છતાં મજબૂત મનોબળને કારણે તેઓ કોરોનાને મ્હાત આપવા સારવાર લઈ રહ્યાં હતાં. અંતે તેમના મજબૂત મનોબળે સાથ આપ્યો અને છેલ્લા બે રિપોર્ટ નેગેટીવ આવતાં તેમને બીજી ઓગસ્ટે કોરોના મુક્ત જાહેર કરાયાં હતાં. આથી તેમને આઈસીયુમાંથી ગુરૂવારે સ્પેશિયલ વોર્ડમાં શિફટ કરવાના હતાં.
આયશા તિરમીઝી કોરોના મુક્ત થતાં તેમનો પરિવાર ખુશખુશાલ હતો અને તેઓ વહેલીતકે સાજા થઈ ઘરે પરત ફરશે તેવી આશામાં હતો. ત્યાં જ મોડી રાત્રે ૩ વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લાગેલી આગમાં આયશા તિરમીઝી પણ મોતને ભેટયા હોવાની જાણ થતાં તેમના પરિવારના માથે આભ તૂટી પડયું હતું. મર્હૂમા આયશા તિરમીઝીને દિલ્હી દરવાજા બહારના કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. તેમના જનાઝામાં નિયમ મુજબની સંખ્યામાં અખબારી જગતના માધાંતાઓ ઉપરાંત રાજકીય, ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો, સગાસંબંધી, મિત્રો, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મર્હૂમાના ઈસાબેસવાબ માટે શનિવારે સવારે ૮ કલાકે ખમાસા સ્થિત હઝરત શાહ અલીજી ગામધણી (રહે.)ની મસ્જિદમાં (મર્દો માટે) કુર્આનખ્વાની રાખવામાં આવી છે. જયારે ઓરતોની ઝિયારત તેમના ખમાસા સ્થિત તિરમીઝી બિલ્ડીંગના નિવાસસ્થાને રાત્રે ૮ કલાકે રાખવામાં આવી છે.
આયશાબેન તિરમીઝીના મોતના સમાચાર રાજયભરમાં વાયુવેગે પ્રસરી જતાં ગુજરાત ટુડેના વાંચકો અને ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ ઘટના અંગે દિલસોજી પાઠવવા ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંંકારવી તથા સ્ટાફના સભ્યોના મોબાઈલ પર અને દૈનિકના કાર્યાલય પર સતત ફોન રણકતા રહ્યા હતા અને ઘટના અંગે દુઃખ વ્યકત કરી મર્હુમા માટે દુઆઓ કરી હતી.