મુંબઈ, તા.૧
ભારતના પૂર્વ ક્રિકેટર અને ચેન્નઈ સુપર કિંગ્સના ટોચના ખેલાડી સુરેશ રૈના આ વર્ષે આઈપીએલ સીઝનની શરૂઆત અગાઉ જ દુબઈથી પરત ભારત આવી ગયો હોવાથી અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હોટેલનો રૂમ બરોબર નહીં મળતા રૈનાને ફ્રેન્ચાઈઝ માલિક અને કેપ્ટન કુલ ધોની સાથે વાંધો પડતા તે ટૂર્નામેન્ટ છોડીને ભરાત પરત ફર્યો છે. બીજીતરફ સુરેશ રૈનાના પંજાબના પઠાણકોટમાં રહેતા ફોઈ-ફૂવાના પરિવાર પર થયેલા હિચકારા હુમલા મામલે પણ ક્રિકેટરે મૌન તોડ્યું છે. રૈનાએ તેના ફૂવા અને ભાઈની લૂંટારાઓ દ્વારા હત્યાના મામલે ન્યાયની માગણી કરી છે. રૈનાએ જણાવ્યું કે મારા ફૂવાની કરપીણ હત્યા કરવામાં આવી. મારી ફોઈ તેમજ ભાઈને પણ ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. દુર્ભાગ્યપૂર્ણ રીતે મારા ભાઈનું પણ ગત રાત્રે મોત થયું છે અને ફોઈની હાલત ગંભીર છે અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા છે. ૧૯ અને ૨૦ ઓગસ્ટની વચ્ચે પંજાબના પઠાણકોટ જિલ્લાના થરિયલ ગામમાં રહેતા રૈનાના ફોઈ-ફુવાના ઘરે હુમલાની ઘટના બની હતી.
સુરેશ રૈનાએ આ ઘટનામાં ન્યાયની માગ કરી છે અને જણાવ્યું કે આ હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તે જાણવા મળ્યું નથી. પૂર્વ ભારતીય ક્રિકેટરે પંજાબ પોલીસને આ મામલે તપાસ કરી હત્યારાઓને પકડી લેવા અપીલ કરી હતી. રૈનાએ આ મામલે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પણ ટેગ કર્યા હતા.