(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૩
જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી મંદિર ચોરી શરૂ કરનાર ચોર વડોદરા ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાઈ જતા અડધો ડઝન મંદિરોની ચોરીનો ભેદ ખુલ્યો છે.
વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ મંદિરોમાં ચોરીઓના બનાવો બની રહ્યા છે. જેના કારણે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી એ એક ટીમ બનાવી ભૂતકાળમાં મંદિરોમાં ચોરી કરતી ગેંગની વિગતો ભેગી કરી હતી. આ ઉપરાંત પોલીસની ટીમે મંદિરોમાં ચોરી થઇ હોય તેવા સ્થળોની આસપાસ આવેલા કેમેરાઓ ની પણ તપાસ કરી હતી.
પોલીસે ફૂટેજના આધારે જીતેન્દ્ર ભોગીલાલ પંચાલ (રહે.મોટા કરાળા ગામ,તા.શિનોર) પર વોચ રાખી તેને ઝડપી પાડતા ૧૫ દિવસમાં ગોત્રીના સાંઈ મંદિર, હનુમાન મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ સહિતના અડધો ડઝન મંદિરોમાં કરેલી ચોરીના ભેદ ઉકેલાયા છે.
પોલીસે ચોર પાસેથી રોકડા રૂ ૪૬ હજાર, બાઈક, ચોરીના સાધનો અને બે મોબાઇલ કબજે કર્યા છે. અગાઉ પણ ચોરીના બનાવમાં જેલમાં ધકેલાયો જીતેન્દ્ર દોઢ મહિના પહેલાં જ બહાર આવ્યો હોવાનું અને ફરીથી ચોરીઓ શરૂ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સાથે પોલીસે ચોરને લાવવા લઈ જવામાં મદદરૂપ થતાં જીગ્નેશ નાનજીભાઈ પરમાર રહે. શ્રી હરિ ટાઉન શીપ, આજવા રોડને પણ ઝડપી પાડ્યો છે.