(સંવાદદાતા દ્વારા)
પાલેજ, તા.૭
પાલેજના રહેણાક વિસ્તાર ઉપર ગમે ત્યારે ફેલાતું અસહ્ય પ્રદૂષણને લઈ ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી જતાં સોમવારના રોજ ભરૂચ કલેક્ટરને લેખિતમાં આવેદન પત્ર પાઠવી આવી કંપનીઓ વિરૂદ્ધ તાત્કાલિક અસરથી પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી. કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં પાલેજની ફિલિપ્સ કાર્બન ફેક્ટરી, ક્રિશ્ના રબર, આર.કે.રિકલેમ, વિંટેક્સ રબર જેવી પ્રદૂષણ ફેલાવતી કંપનીઓને તાત્કાલિક અસરથી બંધ કરવા માગણી કરાઈ હતી. પાલેજમાં ગત ગુરૂવારના રોજ કાર્બન કંપનીમાંથી છોડવામાં આવેલા પ્રદૂષણે સમગ્ર પાલેજને ભરડામાં લીધો હતો જેના પગલે વાહનો, કપડાં, મકાનના ધાબાઓ તેમજ લોકોના હાથ પગ કાળા થઈ જવા પામ્યા હતા જેના પગલે હવે ક્યાં સુધી આવા પ્રદૂષણમાં જીવવાનું ? એવા કકળાટ સાથે ગૃહિણીઓ ઘરની બહાર આવી જવા પામી હતી. આવેદનપત્ર પાઠવનારા આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરાના જેવી મહામારીના સમયમાં લોકો શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે એવામાં કાર્બનનું પ્રદૂષણ ગામના લોકોના સ્વાસ્થ્ય સાથે એક પ્રકારની રમત જેવું લાગી રહ્યું છે. વળી પર્યાવરણ અને પ્રકૃતિના ભોગે કંપની ન ચલાવી શકાય જેથી ફેક્ટરી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, એમ આવેદનપત્રમાં માગણી કરાઈ હતી. પાલેજમાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે તંત્ર દ્વારા જો કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો હવે ગુજરાત હાઈકોર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરવામાં આવશે, એમ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. આ ઉપરાંત આવેદનપત્રમાં કંપની વિરૂદ્ધ તાળાબંધી જેવા આંદોલન ચાલુ કરવા આવેદનપત્રમાં જણાવ્યું હતું.
કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા જમિઅતે ઉલેમા-એ-હિંદના સેક્રેટરી અબ્દુલ કૈયુમ પટેલ, કામદાર એકતા સેના ઉપ.પ્રમુખ ગુજરાત પ્રદેશના રાણા જસદેવસિંહ દલપતસિંહ તેમજ મોટી સંખ્યામાં પાલેજના યુવાનો જોડાયા હતા.