ચૂંટણી ટાણે કરાતા વચનો ચૂંટણી બાદ ફૂગ્ગામાંથી ગેસ નીકળ્યા પછીની સ્થિતિ જેવા છે. કેમ કે, ફૂગ્ગામાં જ્યાં સુધી ગેસ હોય ત્યાં સુધી જ તે હવામાં ઊડે અને જેવો ગેસ પત્યો કે તે જમીન ઉપર આવી જાય. બસ આવું જ કંઈક રાજ્યના ગરીબો સાથે થતું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં વિકાસ થયો હોવાની વાતો ડંકાની ચોંટે કરવામાં આવે છે. પરંતુ આજે પણ ઘણા એવા લોકો છે જેમને બે ટંકનો રોટલો રળવા ભારે જહેમત ઊઠાવવી પડે છે. શું આને વિકાસ કહેવાય ખરો ? તેવો સવાલ આ ગરીબોને સતાવી રહ્યો છે. બસ ચૂંટણી ટાણે કરાતા વચનોને નેતાઓ પાળે તો જ પ્રજાનો ખરો વિકાસ થાય. પરંતુ તેમાં રસ કોને છે ? અમદાવાદમાં તાજેતરમાં સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી છે, તે સાબરમતી રિવરફ્રન્ટથી થોડેક જ દૂર એલિસબ્રિજ નજીકની ફૂટપાથ ફૂગ્ગા વેચતા ગરીબ પરિવાર માટે “ઘર” બની ગયું છે, તે પ્રસ્તુત તસવીરમાં જોઈ શકાય છે, ત્યારે આ ફૂટપાથ પર જીવનનિર્વાહ કરતા ગરીબ પરિવાર ઉપરથી એક જ પંક્તિ કહી શકાય કે, “રેહને કો ઘર નહીં, સારા જહાં હમારાં.”