રમઝાન સંદેશ-૧૪
એક સમાજમાં રહેતા લોકોને પરસ્પર એક બીજાની મદદ અને સહારાની આવશ્યકતા પડતી હોય છે. આવું ન થાય તો તેમના માટે જીવન દુષ્કર બની જાય છે. સમાજમાં ધર્મના મતભેદને કારણે આવો વ્યવહાર અને લેન-દેન, જો ન થાય અથવા તેમાં અવરોધ ઊભો થાય તો સમાજની પ્રવૃતિઓ ચાલી જ શકતી નથી. ઈસ્લામની શિક્ષા એ છે કે બિન મુસ્લિમો સાથે લેન-દેન, ચીજ વસ્તુઓના ખરીદ-વેચાણના અને નાણાકીય વ્યવહાર, ગીરો, ધંધામાં ભાગીદારી વગેરે કરી શકે છે. ટૂંકમાં દરેક પ્રકારના વ્યવહાર કરવામાં કોઈ અવરોધ નથી. આવાં ઘણાં ઉદાહરણો ઈસ્લામી ઈતિહાસમાંથી ટાંકી શકાય છે. વેપાર અને નાણાંકીય વ્યવહારો ઉપરાંત પણ સમાજમાં લોકોને એક બીજાની જરૂર પડતી હોય છે. ઈસ્લામની શિક્ષા અનુસાર એક મુસલમાનની જવાબદારી છે કે તે સમાજમાં રહેતા-વસતા લોકોની નિઃસ્વાર્થપણે યથાશક્તિ મદદ કરે.
ગરીબો અને શોષિતો-વંચિતોની મદદ સમાજમાં કેટલાક લોકો ગરીબ અને શોષિત હોય છે. ક્યારેક તેઓ સત્તાધારી અને ધનવાનોના અત્યાચારનો ભોગ બનતા હોય છે. આવા પ્રસંગે પ્રત્યેક સમજદાર, પ્રભાવી અને ન્યાયપ્રિય વ્યક્તિનું કર્તવ્ય છે કે આવા લોકોની ભરપૂર મદદ કરે. તેમને અત્યાચારીઓના પંજામાંથી મુક્ત કરાવવાનો યથા શક્તિ પ્રયત્ન કરે, જેથી તેઓ પણ સન્માન સાથે જીવન વ્યતીત કરી શકે. ઈસ્લામ પોતાના માનવાવાળાઓને તાકીદ કરે છે કે, ચાહે આવો શોષિત વ્યક્તિ મુસલમાન હોય કે ન હોય, ચાહે તે પોતાના દેશનો હોય કે અન્ય દેશનો, તેની મદદ માટે આગળ આવે અને તેને અત્યાચાર અને અન્યાયથી બચાવવાની કોશિશ કરે. એક સહાબી રદિ.નું કથન છે કે અમને સાત વસ્તુઓની તાકીદ કરવામાં આવી છે અને સાત વસ્તુઓથી રોકવામાં આવ્યા છે. જે સાત વસ્તુઓની તાકીદ કરવામાં આવી છે, તેમાંથી એક એ છે કે મઝલૂમ (પીડીત)ની સહાયતા કરવામાં આવે.(બુખારી) આના સંદર્ભમાં ઈસ્લામના પ્રસિદ્ધ વિદ્વાન ઈમામ ખત્તાબી કહે છે કે, “મઝલૂમની મદદ કરવું અનિવાર્ય છે, ચાહે મઝલૂમ મુસલમાન હોય કે બિન મુસ્લિમ. તેને જુલ્મથી બચાવવાનો યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવે, ચાહે વાણીથી કે વ્યવહારથી, અથવા કોઈ અન્ય માધ્યમથી.” (શરહ સુન્નાહ બગવી, ર૧૩-ર૧૪/પ) (ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)
ઈસ્લામની શિક્ષા અનુસાર એક મુસલમાનની જવાબદારી છે કે તે સમાજમાં રહેતા-વસતા લોકોની નિઃસ્વાર્થપણે યથાશક્તિ મદદ કરે.