Education

ધોરણ-૧૦ અને ૧૨ના પરિણામો આવ્યા બાદ હવે આગળની ફુલગુલાબી કારકિર્દી નક્કી કરવા માટે આ રહી ટોપ -૧૦ ટીપ્સ

હેલ્લો સ્ટુડન્ટ્‌સ – સાહેબ સોની

કેમ છો મિત્રો સૌ મજામાં જ હશો. આપણે દર રવિવારે આ કોલમના માધ્યમથી વિદ્યાર્થીઓના અભ્યાસ, કારકિર્દી ઘડતર અને સર્વાંગી વિકાસ થાય તે માટેના લેખ લખીએ છીએ. આ માધ્યમથી અત્યાર સુધી લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો છે અને કારકિર્દી ઘડી છે. મુંઝવણ તમારી, ઉકેલ અમારો નામના સેક્શન મારફતે પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમના મૂંઝવતા પ્રશ્નો પુછીને ઉકેલ લાવે છે અને તેનાથી દિશા મળે છે. ત્યારે હવે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ જેવા મહત્વના પડાવ પસાર કર્યા બાદ કારકીર્દીનો અત્યંત સંવેદનશીલ તબક્કો ચાલુ થઇ રહ્યો હોવાથી કારકિર્દી બનાવવા માટે યોગ્ય નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ત્યારે તમને નિર્ણય લેવામાં સરળતા રહે તે માટે અત્રે દસ એવી ટીપ શેર કરૂં છું કે લગભગ તમારા દરેક મુંઝવતા પ્રશ્નોનો જવાબ મળી જશે અને તમે ફુલગુલાબી કારકિર્દી તરફ આગળ વધી શકો છો.

  • તમારો ઇન્ટરેસ્ટ શું છે નક્કી કરો
    જ્યારે તમે કારકિર્દી નક્કી કરવા તરફ આગળ વધી રહ્યા હશો ત્યારે ઘણા લોકો તમને સલાહ આપશે અને બીજાની સક્સેસ સ્ટોરી શેર કરશે. પરંતુ સૌથી પહેલી શરત એ છે કે, તમને શું ગમે છે અને તમારી ક્ષમતા શું છે તે તમે નક્કી કરી શકો છો. આથી તમારે શું કરવું છે તે તમારે નક્કી કરવાનું રહે છે. તમે તમારી અંદર ઝાંખો, તમારા આત્માનો અવાજ છે તે સાંભળો અને નક્કી કરો કે આગળ શું કરવું છે. અમુક વિદ્યાર્થીઓ નસીબદાર હોય છે કે તેમની ક્ષમતા ઓળખી જનાર કોઇ સ્વજન કે શુભેચ્છક મળી જાય છે અને તેમની સલાહ મુજબ આગળ વધે તો તેઓ સફળતાની સીડી સડસડાટ ચડી જાય છે. આથી જો કોઇ સાચી સલાહ આપે તો તેની યોગ્યતા ચકાસીને આગળ વધો.
  • મિત્રોની સાથે જ રહેવું તેવો આગ્રહ ના રાખવો
    ઘણા વિદ્યાર્થીઓ નિર્ણય લઇ શકતા નથી અને છેવટે એવું કરે છે કે તેમના પરમ મિત્રો અથવા સહાધ્યાયીઓ જે તરફ આગળ વધે તેની સાથે જોડાઇ જાય છે. મોટાભાગના કેસોમાં આ નિર્ણય ખોટો ઠરી શકે છે. કારણ કે મિત્રોએ તો પોતાની અનુકુળતા અને ક્ષમતા વિચારીને નિર્ણય લીધો હોય છે અને તમે તેમાં તમારી જાતનું મૂલ્યાંકન કર્યા વગર ગાડરીયા પ્રવાહમાં તણાઇ જાય છે. ઘણી વખત માતા-પિતાની સલાહ નહિ માનીને મિત્રો કરે તેમ કરવા લાગે છે. પરંતુ ઉપર જણાવ્યું તેમ તમારી અનુકુળતા, પ્રાયોરીટી અને જરૂરિયાતો મુજબ નિર્ણય લેવાનો રહે છે. આમ મિત્રો કહે તેમ નહી પરંતુ તમારૂં મન કહે તે રીતે કારકિર્દીમાં આગળ વધવાનું હોય છે.
  • અત્યારથી જ નક્કી કરો કે નોકરી કરશો કે બિઝનેસ
    ધોરણ-૧૨ પછી તો વિદ્યાર્થી પુખ્ત વયના થઇ જાય છે આથી ભવિષ્યમાં શું કરી શકાય તેટલી સમજ તો આવી જ ગઇ હોય છે. આથી આ પડાવ એવો છે કે, નક્કી કરવાનું હોય છે કે તમે ઉચ્ચ અભ્યાસ કરીને નોકરી કરવા માગો છો કે નાની વયથી જ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો. જો નોકરી કરવા માગો છો તો સારી સંસ્થામાં અભ્યાસ કરવો જરૂરી છે. જો બિઝનેસમાં ઝંપલાવવા માગતા હોવ તો એવો કોર્ષ નક્કી કરો કે તેની સાથે સાથે તમે પાર્ટ ટાઇમ કોઇ જગ્યાએ બિઝનેસનો અનુભવ મેળવવા માટે કામ કરી શકો છો. બિઝનેસ બાબતે જેટલો ઝડપથી નિર્ણય લેશો એટલું સારૂં છે.
  • ઓછા ટકા હોય તો નાસીપાસ ના થવું
    ઘણા વિદ્યાર્થીઓને ઓછા ટકા આવે તો નાસી પાસ થઇ જાય છે અને ખોટા નિર્ણયો લઇ લે છે. નિરાશામાં આવી જવાના કારણે ખોટા નિર્ણયો લેવાઇ જતા હોય છે પરંતુ ઓછા ટકા આવવા તે કોઇ નિષ્ફળતાની નિશાની નથી પરંતુ સફળતા માટે આગળ વધવાની દિવાદાંડી છે. આથી ઓછા ટકા કેમ આવ્યા તેનો વિચાર કર્યા વગર આગળ વધુ સારૂં પરફોર્મન્સ કેવી રીતે કરી શકાય તેનો વિચાર કરવો જોઇએ. આ સ્થિતિમાં તમારૂં મન માને તે રીતે અભ્યાસક્રમ કે વ્યવસાય નક્કી કરીને આગળ વધવું જોઇએ. કોઇપણ સંજોગોમાં નિરાશાને દિલો દિમાગ પર હાવી થવા દેવી નહીં અને સ્વસ્થ મનથી નિર્ણય લેવો.
  • નિશાન ચુક માફ નહીં માફ નીચુ નિશાન
    ઉપરનું મથાળું એક કહેવત છે તેનો મતલબ એવો છે કે નિશાન ચુકી જશો તો વાંધો નહિ પરંતુ નિશાન એટલે કે ધ્યેય તો ઉંચો જ રાખવાનો રહેશે. ઉંચો ધ્યેય રાખશો તો મહેનત વધુ પડશે, આવડત આવશે અને અંતે સફળતા મળશે. નીચું નિશાન રાખશો તો ધારી સફળતા મળશે નહીં. દાખલા તરીકે તમે એક તેજસ્વી વિદ્યાર્થી છો અને તમારે સરકારી અધિકારી બનવું છે તો તૈયારી યુપીએસસીની જ કરવાની. જો યુપીએસસીમાં તક નહી મળે તો જીપીએસસીમાં તો અધિકારી આસાનીથી બની શકાય તેટલી આવડત આવશે. એક વાર જીપીએસસીની પરીક્ષા આપ્યા બાદ પણ યુપીએસસીની તૈયારી કરી શકો છો. આમ ઉંચું નિશાન રાખ્યું હોય અને તેમાં ધારી સફળતા ના મળે તે તેનાથી નીચેના સ્તરે પણ તક તો મળે જ છે. જ્યારે તમે પહેલેથી જ નીચું સ્તર રાખ્યું હોય તો ક્યાં જશો ? આથી ધ્યેય ઉંચા જ રાખવા.
  • નોકરી, વ્યવસાય અથવા બિઝનેસની પસંદગી કેવી રીતે કરશો ?
    ઘણા વિદ્યાર્થીઓ નોકરી, વ્યવસાય કે બિઝનેસ કરવા બાબતે ભારે મુંઝવણ અનુભવતા હોય છે. તો તેનો સરળ રસ્તો બતાવું. મોટાભાગે જો તમારે પિતા કે માતા વ્યવસાય કે બિઝનેસ કરતા હોવ અને એમાં તમને રસ હોય અને ભવિષ્ય દેખાતું હોય તો તે પ્રમાણે આગળ વધવું. જો તમારા વાલીઓ નોકરીયાત હોય અને તમને પણ ઉચ્ચ અભ્યાસ કરીને જોબ કરવી હોય તો તે પ્રમાણે આગળ વધી શકાય. એક વાત યાદ રાખજો કે નોકરીયાત માતા-પિતાનો સંતાન પણ બિઝનેસ કે વ્યવસાય કરી શકે છે અને બિઝનેસ કે વ્યવસાય કરતા વાલીઓના સંતાનો પણ નોકરીમાં આગળ વધી શકે છે. અલબત્ત તમામ બાબતો તમારા રસ ઉપર નિર્ભર છે.
  • કેટલો અભ્યાસ કરવો ?
    ઘણા લોકો પૂછતા હોય છે કે ક્યાં સુધી ભણતર ચાલું રાખવું. તો તેનો સરળ જવાબ છે કે જ્યાં સુધી આપને રસ પડે ત્યાં સુધી, આપનો ગોલ પુરો ના થાય ત્યાં સુધી તમે અભ્યાસ ચાલુ રાખી શકો છે. અભ્યાસને અને ઉંમરને કોઇ મતલબ નથી. ઘણાને સ્નાતક પછી પણ સારી સરકારી કે ખાનગી નોકરી મળી જાય અને તેમાં ભવિષ્ય દેખાતું હોય તો પછી આગળ અભ્યાસ કરતા નથી. જ્યારે ઘણા છેક પીએચડી સુધી અભ્યાસ કરીને પ્રોફેસર, રિસર્સર કે વૈજ્ઞાનિક બનવા માટે આગળ વધતા હોય છે. આથી તમારા આર્થિક, સામાજીક અને પારિવારિક સંજોગો ઉપર આ બાબત આધારિત છે.
  • અભ્યાસ દરમિયાન આર્થિક ઉપાર્જન કરવું કે નહીં ?
    ઘણા વિદ્યાર્થીઓને આર્થિક જરૂરિયાત હોય છે અને તેઓને અભ્યાસ સાથે કોઇને કોઇ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરવી જરૂરી હોય છે. તેઓને માટે કોઇ વિકલ્પ નથી. પરંતુ મારી સલાહ તો એ છે કે, તમે અભ્યાસ કરો તેની સાથે સાથે તમારો પોકેટ મની અને બને તો ફીનો ખર્ચ કાઢી શકો તેટલી આવક થાય તેવી કોઇ પ્રવૃત્તિ કરવી જોઇએ. જો કોઇ ઉચ્ચ અભ્યાસ કરતા હોવ અને તેમાં ખૂબ જ ધ્યાન આપવું પડે તેમ હોય તો આર્થિક ઉપાર્જન તરફ ધ્યાન નહીં આપી તે અભ્યાસમાં ધ્યાન પરોવવું.
  • બહારગામ અભ્યાસ કરવા જવાની મુંઝવણ
    ઘણા વિદ્યાર્થીઓને બહારગામ સારા કોર્ષમાં પ્રવેશ મળે છે ત્યારે ભારે મુંઝવણ અનુભવે છે. વાલીઓને પણ સંતાનોને પોતાનાથી દુર કરવા માટે હિંમત ચાલતી હોતી નથી. પરંતુ આના માટે એક જ અને સરળ સલાહ એ છે કે, જો ઉત્તમ કોલેજ અને ઉત્તમ કોર્ષમાં અભ્યાસ કરવા મળતો હોય તો જીવનના અમુક વર્ષો બહારગામ કાઢી લેવાય. પછી તો પરિવાર સાથે રહી જ શકાય છે. ઘણાને ખર્ચની ચિંતા હોય તો સ્કોલરશીપ, સરકારી કે જ્ઞાતિ સ્તરેથી મળતી સહાય લેવામાં સંકોચ ના રાખવો અને આગળ વધવું. સારા કોર્ષમાં પ્રવેશ મળતો હોય અને ભવિષ્ય ઉજ્જવળ થતું હોય તો એજ્યુકેશન લોન લેવા વિશે પણ વિચારી શકાય.
  • દિકરીઓને કેટલી ભણાવવી ?
    મારી દ્રષ્ટિએ તો હવે આ સવાલ પુછવો જ અસ્થાને છે. આજના સ્પર્ધાત્મક અને આધુનિક જમાનામાં દિકરો હોય કે દીકરી તે પોતાના પગભર થાય તે અત્યંત જરૂરી છે. લગ્ન કર્યા પછી પણ દીકરીઓ પોતાના અને કુટુંબના ખર્ચને પહોંચી વળવા અથવા તો સમૃદ્ધિ હોય તો પણ પોતાની જાતને બિઝી રાખવા માટે કોઇને કોઇ નોકરી કે બિઝનેસ કરે તે ઇચ્છનીય છે. ઘણી વખત તો લગ્ન ભંગના કિસ્સાઓમાં પણ જો દીકરી આર્થિક રીતે પગભર ના હોય તો ભારે મુશ્કેલી સર્જાતી હોય છે. આથી દીકરીઓને ભણાવવી અને પગભર કરવી તે હવે સમયની જરૂરિયાત છે.

ઉપરોકત કોલમ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવી છે. જેમાં એજ્યુકેશનને લઈ મૂંઝવતા પ્રશ્નો પર, કારકિર્દીને લગતા પ્રશ્નોના સચોટ જવાબો આપવામાં આવશે.એજ્યુકેશન લગતા પ્રશ્નો વિદ્યાર્થીઓ
ગુજરાતટુડેના ઈ-મેઈલ પર મોકલી શકે છે.
E-mail:sahebtoday@gmail.com

Related posts
Education

અમદાવાદ અને ગાંધીનગરમાં છે રાષ્ટ્રીય સ્તરની એકથી એક ચડિયાતી યુનિવર્સિટીઓ, ખોલો ઉજ્જવળ કારકિર્દીના દ્વાર

મિત્રો જો હું તમને ગુજરાતમાં જ અને ખાસ…
Read more
Education

ધોરણ-૧૨ બાદ વિદ્યાર્થીઓને ભારે મૂંઝવણ, પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્ષ કરવો કે ત્રણ વર્ષનો સ્નાતકનો કોર્ષ ?

જે મિત્રો કરિયર નક્કી કરી શકતા ના હોય…
Read more
Education

JEE મેઈન્સ સત્ર ર એડમિટ કાર્ડ ર૦ર૪ jeemain.nta.ac.in પર જારી

(એજન્સી) તા.૧જેઈઈ મેન્સ ર૦ર૪નું એડમિટ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *