AhmedabadGujarat

માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને ગાંધીનગરમાં ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું

આગામી પાંચ દિવસ અનેક સ્થળોએ હીટવેવની આગાહી

  • અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ • સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ યલો-ઓરેન્જ એલર્ટ

અમદાવાદ,તા.૧૭
રાજયમાં છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ ફરી એકવાર તાપમાનમાં જોરદાર વધારો થતાં લોકોને ગત રોજથી અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જયારે આગામી દિવસોમાં ગરમી વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જયારે કેટલાક સ્થળોએ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી પાર પહોંચી ગયો છે. તો આગામી દિવસોમાં પારો ૪પ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. રાજયમાં ફરી એકવાર ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે કમોસમી વરસાદને કારણે છેલ્લા ચાર દિવસથી ગરમીમાં આંશિક રાહત બાદ ફરીથી કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. ગરમીને લઈ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અમદાવાદ શહેરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ યલો અને કેટલાક સ્થળોએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જયારે રાજયમાં ચાર જિલ્લામાં પારો ૪૪ ડિગ્રીએ પહોંચ્યો છે. જેને પરિણામે લોકોએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો છે તો બીજી તરફ તીવ્ર ગરમી વચ્ચે દાહોદ, મહિસાગર, તાપી, ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, રાજકોટ, બોટાદ, જામનગર, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તેમજ ગીર સોમનાથમાં પવન સાથે આવતીકાલે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર બાદ ગરમીમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. જયારે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, ભાવનગર તેમજ કચ્છમાં અને સુરત તથા વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હીટવેવની સ્થિતિને જોતા લૂ લાગવાની સંભાવના વધી જાય છે. ત્યારે લોકોને આ મામલે સાવચેતી રાખવાની હવામાન નિષ્ણાતો અને તબીબો જણાવી રહ્યા છે. જયારે બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની તેમજ વૃદ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓને ખાસ તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું છે ગરમીને કારણે વધુ પ્રમાણમાં પ્રવાહી ખાસ કરીને પાણી, છાશ અને લીંબુ સરબતનું સેવન વધુ પ્રમાણમાં કરવાનું જણાવી રહ્યા છે. વાત કરીએ તાપમાનની તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૪.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેને પરિણામે સુરેન્દ્રનગર વાસીઓએ અગન ભઠ્ઠીમાં સેકાતા હોય તેવી તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો. જયારે અન્ય સ્થળોની વાત કરીએ તો ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪ર.ર અને ગાંધીનગરમાં ૪૪.૦ ડિગ્રી તાપમાન નોંધાતા અહીંના લોકોએ પણ આકરા ઉનાળાનો અનુભવ કર્યો હતો. જયારે અન્ય સ્થળોની વાત કરીએ તો ભૂજમાં ૪૩.૮, રાજકોટમાં ૪૩.૭, અમરેલીમાં ૪૩.ર, વલ્લભવિદ્યાનગરમાં ૪૩.૧, વડોદરામાં ૪ર.ર, કંડલા એરપોર્ટમાં ૪૧.૬, કેશોદમાં ૪૧.૬, જયારે મહુવામાં મહત્તમ તાપમાન ૪.૧૦ ડિગ્રી નોંધાયું હતું. બીજી આગામી દિવસોમાં તાપમાનમાં રથી ૩ ડિગ્રીનો વધારો થવાની સંભાવના હવામાન નિષ્ણાતો દ્વારા વ્યકત કરવામાં આવી છે ત્યારે આ વખતે રેકોર્ડબ્રેક ગરમી પડવાની શકયતા નકારી શકાય તેમ નથી. રાજયમાં ગરમીની તીવ્રતા વચ્ચે ત્રીજા દિવસથી લઈને પાંચમા દિવસ સુધી એટલે કે ૧૯થી ર૧ મે દરમ્યાન સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા જેમાં દ્વારકા, પોરબંદર અને ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં હીટવેવની શકયતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી એક સપ્તાહ કે તેનાથી પણ વધુ દિવસ માટે ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળશે નહીં કારણ કે, ગુજરાત રાજય પર હાલમાં ઉત્તર દિશા તરફથી પવનો ફુંકાઈ રહ્યા છે. ગરમીનો પારો વધી રહ્યો છે. આ ઉપરાંત હાલમાં કોઈપણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી નથી. પરંતુ આગામી એક સપ્તાહમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉતરી ભાગમાં અપ્રોચ કરશે. પરંતુ તેની અસર ગુજરાત ઉપર રહેશે નહીં ફકત કેટલાક જિલ્લાઓમાં એકાદ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં તથા દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીરસોમનાથ, દીવ, ભાવનગર અને કચ્છમાં આજે અને આવતીકાલે હીટવેવની શકયતા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે આગામી દિવસોમાં પારો ૪પથી ૪૭ સુધી જવાની સંભાવના છે. ત્યારે ગરમી ભુક્કા બોલાવે તેવી શકયતા છે.