HealthReligion

મુહદ્દીસ ઇમામ બુખારી (રહ.) (ઈ.સ. ૮૧૦-૮૭૦)

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ

ઇમામ અબુ અબ્દુલ્લાહ મુહમ્મદ બિન ઈસ્માઈલ ઇબ્ન મુગીરા બિન બર્દઝબહ અલ બુખારી કે જેઓ સામાન્ય રીતે ઇમામ બુખારી (રહ.) તરીકે ઓળખાય છે.તેઓ ફારસી મૂળના પ્રસિદ્ધ મુહદ્દીસ હતા.એમનાં કુટુંબે યમાનુલ જોઅફીના હસ્તે ઇસ્લામ સ્વીકાર્યો હતો. તેથી એ સંબંધે તેઓ પણ અલ જોઅફી તરીકે ઓળખાય છે.
ઇમામ બુખારી (રહ.)નો જન્મ બુખારા (હાલના ઉઝબેકિસ્તાનમાં આવેલ છે)માં જુમ્મઆની નમાઝ પછી ૧૩ શવ્વાલ હિ.સ. ૧૯૪ / ૨૧ જુલાઈ ૮૧૦ના દિવસે થયો હતો. એમના પિતા ઇસ્માઈલ બિન ઇબ્રાહીમ હદીસના સીકહ રાવી (ખૂબ જ ભરોસાપાત્ર કથનકાર) હતા. ઇમામ બુખારી નાના હતા ત્યારે જ એમના પિતાનું અવસાન થઇ ગયું હતું. માતાએ એમને ઉછેર્યા. એમની સ્મરણશક્તિ ખૂબ સતેજ હતી. તેઓ ખૂબ બુદ્ધિશાળી હતા. છ-સાત વર્ષની ઉંમરમાં કુર્આન મોઢે કરી લીધું હતું. અગિયાર વરસની ઉંમરમાં અલ્લામાં દાખીલી જેવા મોટા વિદ્વાન અને મોહદ્દીસને એક સનદ (કથનની શ્રૃંખલા) બાબતે ટોકી દીધા અને સુધારણા કરાવી હતી. પ્રારંભિક શિક્ષણ બુખારાના મોટા મોટા વિદ્વાનો અને શેખથી પ્રાપ્ત કર્યું. આ ગુરુઓમાં મુહમ્મદ બિન સલામ બયકંદી, મુહમ્મદ બિન યુસુફ બયકંદી, અબ્દુલ્લાહ બિન મુહમ્મદ મુસનદી અને ઇબ્રાહીમ બિન અલ અસઅસ સામેલ હતા. સોળ વર્ષની આયુમાં અબ્દુલ્લાહ બિન અલ મુબારક અને વકીઅ બિન અલ જર્રાહના ગ્રંથો મોઢે કરી લીધા હતા. તબ્કાતુલ હનાબલામાં લખ્યું છે કે વિદ્યાર્થી કાળમાં થોડાક જ દિવસો બગદાદમાં રહ્યા અને એ દરમિયાન પંદર હજારથી વધુ હદીસો મોઢે કરી લીધી હતી ! સોળ વર્ષની ઉંમરે એમણે એમના માતા અને ભાઈ સાથે હજ પઢી હતી. હજ પછી તેઓ મક્કામાં લગભગ બે વરસ રહ્યા અને પછી મદીના ગયા હતા. એમણે શામ (સીરિયા), મિસર (ઈજિપ્ત), કુફા,બસરા અને બગદાદ જેવા જ્ઞાનના કેન્દ્રોની જ્ઞાનપ્રાપ્તિ માટે મુલાકાત લીધી હતી. ઇમામ બુખારીને લગભગ એક લાખ સહીહ હદીસો અને બે લાખ જેટલી ગેર-સહીહ હદીસો મોઢે હતી. એમણે એક હજારથી વધુ ગુરુઓ અને શેખોથી હદીસ લખી હતી. એમણે પોતાનાથી મોટા, પોતાની બરાબરીના અને પોતાનાથી ઉતરતા રાવીઓની હદીસોની રિવાયત કરી અને લખી હતી.
હદીસના જ્ઞાન અને સમજના વિદ્વાનો-નિષ્ણાતોએ ઈમામ બુખારીની બુદ્ધિ, હોશિયારી, સમજદારી અને સ્મરણ શક્તિના વખાણ કર્યા છે. અલ સુબુકીએ એમને શાફઇ મસ્લક અને ઇબ્ને અબી યાઅલાએ એમને હન્બલી મસ્લકથી જોડવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આ જોડાણ માત્ર ફોર્માલીટી પુરતું જ છે. ઇમામ બુખારી ‘ઇમામે મુજતહીદ’ (ધાર્મિક વિષયોમાં વિવેકપૂર્ણ નિર્ણય કરનાર ઇમામ)ના ઊંચા સ્થાને બિરાજે છે. ઇબ્ને હજર અસ્કલાનીએ કહ્યું છે કે તેઓ ફીકહે હદીસમાં દુનિયાના ઇમામ છે. ઇમામ બુખારીની પ્રસિદ્ધિ એમના પ્રસિદ્ધ ગ્રંથ ‘અલ જામેઅ અસ સહીહ’ના કારણે છે જેને ‘સહીહ બુખારી’ તરીકે ઓળખવામાં આવે છે.
સહીહ બુખારી : જ્યારે ઇમામ બુખારીએ પોતાના પૂર્વ મુહદ્દીસોના હદીસ સંગ્રહોને વાંચ્યા અને રિવાયત કરી તો એમને લાગ્યું કે આ ગ્રંથોમાં સહીહ (એ હદીસ કે જેમાં નિરંતર શ્રુંખલાબદ્ધ પ્રમાણ સંલંગ્ન હોય અને ન્યાયપૂર્ણ તથા તટસ્થ કથાવાચક દ્વારા વર્ણન કરવામાં આવેલ હોય, જેમાં કોઈ દોષ ન હોય અને હદીસ બહુમતી વિદ્વાનોનું ખંડન કરતી ન હોય), હસન )એ હદીસ કે જેના વર્ણનકર્તા સત્યનિષ્ઠામાં પ્રખ્યાત હોય પરંતુ વર્ણન કરવાની તુલનામાં યાદ અને સ્મૃતિમાં ઓછા હોય) અને જઈફ (એ હદીસ કે જેમાં વર્ણનકર્તા કે વાચક વિશ્વસનીય ન હોય અથવા એમાં કોઈ બીજા કારણથી નિર્બળતા હોય) બધા જ પ્રકારની હદીસો સામેલ હતી. તેથી એમણે એક એવો ગ્રંથ સંપાદિત કરવાનું નક્કી કર્યું જેમાં માત્ર સહીહ હદીસો જ હોય. એક સભામાં એમના શેખુલ હદીસ ઇશાક બિન રાહ્વીયાહે જ્યારે એમને કહ્યું કે તમે એવું હદીસ સંગ્રહ સંપાદન કરો જેમાં રસુલલ્લાહ (સ.અ.વ.)ની માત્ર સહીહ હદીસો જ હોય. એનાથી એમને વધારે પ્રેરણા મળી અને એમણે નિશ્ચય કરી લીધો. આ નિશ્ચયને બળ ત્યારે મળ્યું જયારે ઇમામ બુખારીએ સ્વપ્નમાં જોયું કે તેઓ હુઝુર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પાસે ઊભા છે અને હાથમાં પંખો લઈ આપ (સ.અ.વ)ની આસપાસથી માખો ઉડાવી રહ્યા છે. વિદ્વાનોએ આ સ્વપ્નનો સાર એવો આપ્યો છે કે તમે નબી કરીમ (સ.અ.વ.) સાથે કેટલાંક લોકોએ જોડી નાખેલી ઝૂઠી હદીસોને માખોની જેમ હટાવી દેશો અને એમને રદ કરશો. આ સ્વપ્નએ ઇમામ બુખારીને હદીસ સંગ્રહ માટે એકદમ ચેતનવંતા બનાવી દીધા અને તેઓ આ કાર્યમાં લાગી ગયા. તેઓ દરેક હદીસને લખતા પહેલા વઝુ બનાવી બે રકાત પઢતા. છ લાખ હદીસોમાંથી એમણે માત્ર સહીહ હોય એવી લગભગ ૭૩૯૭ હદીસોને જ આમાં સ્થાન આપ્યું. આમાં ૯૭ વિભાગો અને ૩૪૫૦ બાબ (પ્રકરણ) છે.
ઇમામ બુખારીએ હદીસ સંગ્રહનું આ કાર્ય બેઠેલા હોય તો પણ અને યાત્રામાં હોય તો પણ બરાબર ચાલુ રાખ્યું. એમણે પ્રકરણોને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય એક વાર મસ્જિદે હરામમાં અને બીજી બખત મસ્જિદે નબ્વીમાં રીયાજુ જ જન્નાહ (જન્નતના બાગોમાંથી એક બાગ)માં બેસીને પાર પાડ્યું. સોળ વર્ષના સખત પરિશ્રમ પછી એમણે ગ્રંથ તૈયાર કર્યો અને ઇમામ એહમદ બિન હન્બલ (રહ.) અલી બિન મદની (રહ.) અને યાહ્યા બિન મુઈન (રહ.) જેવા પ્રસિદ્ધ હદીસોના વિદ્વાનો સમક્ષ રજૂ કર્યો. એમણે આ ગ્રંથને જોયો અને એની પ્રામાણિકતાની સાક્ષી આપી. ગ્રંથનું નામ ‘અલ જામેઅ અસ સહીહ અલ મસનદ મીન હદીસ (રસુલલ્લાહ સલ્લલાહુ અલયહિ વસલ્લમ) વ સુનનહ વ ઐયામહ ‘રાખ્યું. આ ગ્રંથને ચારે તરફથી આવકાર મળ્યો. નેવું હજાર માણસોએ ઇમામ બુખારીથી આ ગ્રંથને સાંભળ્યો. (તબકાતે અલ હનાબ્લ્હ)
ઇમામ બુખારીએ હદીસ વર્ણન કરવામાં એ વાતનું ધ્યાન ખાસ રાખ્યું છે કે હદીસ સિકાહ રાવિએ સિકાહ રાવીથી વર્ણન કર્યું હોય અને શ્રુંખલા ભરોસાપાત્ર અને વિશ્વસનીય રાવીઓ સુધી ચાલે અને હદીસમાં ક્યાંય કોઈ મતભેદ ન થાય. આની સનદ (હદીસ શ્રખલા) વિશ્વસનીય હોય. કદાચ આ જ કારણ છે કે વિદ્વાનોએ સહીહ બુખારીને કુર્આન મજીદ પછી ઇસ્લામી શરીઅતમાં સૌથી સહીહ (પ્રમાણભૂત) ગ્રંથનો પ્રતિષ્ઠિત લકાબ આપ્યો છે. વિદ્વાનોએ ત્રીજી સદીથી લઈ આજ દિન સુધી આ ગ્રંથના અસંખ્ય ભાષ્યો (વિચેચન-સમજૂતીઓ) લખ્યા છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર અને સમાજશાસ્ત્રી ઇબ્ને ખલ્દૂનની ઇચ્છા હતી કે સહીહ બુખારીની એક એવી ઉમદા શરહ (સમજૂતી) લખવામાં આવે જેનાથી એનો હક અદા થઇ જાય કેમ કે એમણે પોતાના ગુરુઓથી સાંભળ્યું હતું કે આવી શરહે બુખારી ઉમ્મતના માથે એક ઋણ છે. હાફીઝ ઇબ્ને હજર અસ્કલાનીએ ‘શરહ ફતહ અલ બારી’ લખી જે શ્રેષ્ઠ સમજૂતીઓમાંથી એક છે અને વિદ્વાનો માને છે કે આનાથી આ ઋણ અદા થઇ ગયું.
સહીહ બુખારીના વિશ્વની વિવિધ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા
ઇમામ બુખારીએ અંદાજે ૨૦થી ૨૫ ગ્રંથોની રચના કરી હતી એમાંથી કેટલાંક ઉપલબ્ધ છે કેટલાંક નથી.
(૧) ‘અલ તારીખ અલ કબીર’માં એમણે સહાબાએ કિરામથી લઈ પોતાના સમય સુધીના ચાલીસ હજાર હદીસના રાવીઓ (કથનકારો)ના જીવન વિષે લખ્યું છે. એમણે આ ગ્રંથ મસ્જિદે નબ્વીમાં ચાંદની રાતોમાં બેસીને લખ્યો હતો.
(૨) અલ તારીખ અસસગીર : (૩) કિતાબ અજ જુઅફા અસસગીર (૪) કીતાબુલ કુના : આમાં હદીસના એક હજાર રાવીઓની કુનીયત (ઓળખનું નામ) પર ચર્ચા કરવામાં આવી છે. (૫) કિતાબ ખલ્ક અફઆલુ લ ઇબાદ : આમાં જેહ્મીયા સંપ્રદાયનું ખંડન કરવામાં આવ્યું છે. (૬) કિતાબુલ અદબ અલ મુફરદ (૭) કઝાયા અસ સહાબા વ તાબેઈન (૮) કીતાબુલ હિબા (૯) અલ સુનન ફિલ ફીકહ અલ ફવાઈદ અલ મબ્સૂત (ઉપલબ્ધ નથી) (૧૦) અલ જામી અસ સહીહ અલ જામી અલ કબીર અલ મુસ્નદ અલ કબીર (૧૧) રફા’ અદ્દીન ફિલ સલાહ (૧૨) અલ કિરા’ ખલ્ફ અલ ઇમામ.
આ મહાન મુહદ્દીસનું ૧ સપ્ટેમ્બર ૮૭૦માં અવસાન થયું. સમરકંદમાં ઇમામ બુખારી મસ્જિદના પ્રાંગણમાં એમનો મકબરો છે.

Related posts
Religion

હદીસ બોધ

એ ઉચ્ચ પ્રકારની નેકી છે કે માનવી તેના…
Read more
Religion

હદીસ બોધ

હિસાબના દિવસે (ન્યાયના દિવસે)…
Read more
Religion

હદીસ બોધ

કિંમતના પ્રમાણે વજન કરો અને વજન નમતું…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.