Religion

ઈસ્લામી સમાજમાં સ્વતંત્રતાનું મહત્ત્વ

ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે

વર્તમાન યુગમાં સ્વતંત્રતા શબ્દ પોતાની ચર્ચાની ચરમસીમા સુધી પહોંચી ચૂક્યો છે. સંસારનો કોઈપણ સમાજ એવો નહીં હોય જ્યાં આ વિષયે વાત કરવામાં આવી ન હોય. આનું એક મહત્ત્વપૂર્ણ કારણ આ પણ છે કે લગભગ તમામ ધર્મોમાં આનાથી સંબંધિત દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથોસાથ આમાં મનુષ્ય અને સમાજના મૌલિક અધિકારોમાં પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
આ વિષય સાથે સંબંધિત ઈસ્લામી શિક્ષાઓમાં સ્પષ્ટપણે આ વાત કહેવામાં આવી છે કે પ્રત્યેક મનુષ્ય પોતાના જન્મને અનુરૂપ સ્વતંત્ર છે. સ્વતંત્રતા પ્રત્યેક મનુષ્ય અને સમાજનો અધિકાર છે. અત્રે સ્વતંત્રતાનો અભિપ્રાય માત્ર દાસતા (ગુલામી)થી મુક્તિ અને છૂટકારો જ નહીં પરંતુ ધાર્મિક, સામાજિક, આર્થિક, રાજનીતિક, શૈક્ષણિક, વૈચારિક તથા અભિવ્યક્તિ તમામ પ્રકારની સ્વતંત્રતા આમાં સમ્મિલિત કે સમાવિષ્ટ છે.
જો આ સંબંધમાં ઈસ્લામી શિક્ષાઓ વિશેષ સ્વરૂપે પ્રારંભિક ઈસ્લામી ઈતિહાસનું અધ્યયન કરવામાં આવે તો આપણને ઘણી બધી એવી ઘટનાઓ જોવા મળે છે કે જે ઉપર વર્ણવવામાં આવેલી સ્વતંત્રતા સંબંધિત અવધારણા પ્રત્યે માત્ર સંકેત આપે છે. એટલું જ નહીં પરંતુ તેને સંપૂર્ણપણે સ્પષ્ટ પણ કરે છે.
દાસતા (દાસત્વ કે ગુલામી)થી સંબંધિત દ્વિતીય ઈસ્લામી ખલીફાનું આ પ્રસિદ્ધ કથન રજૂ કરી શકાય છે કે લોકોને તમે કયારથી ગુલામ બનાવી દીધા જ્યારે તેમની માતાઓએ તો સ્વતંત્ર જન્મ આપ્યો હતો.
આ જ રીતે ધાર્મિક, રાજનીતિક, આર્થિક, વૈચારિક સ્વતંત્રતાના સંબંધમાં મદીનાની સંધિને રજૂ કરી શકાય છે. જેમાં અંતિમ પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.)સાહેબે મદીનામાં રહેતા તમામ વ્યક્તિઓને સ્વતંત્રતા પ્રદાન કરી હતી.
વૈચારિક અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના સંબંધમાં ઈસ્લામના દ્વિતીય ખલીફા હઝરત ઉમર (રદી)ના કાળની વિભિન્ન ઘટનાઓને પ્રસ્તુત કરી શકાય છે, જેમાં સાધારણ વ્યક્તિઓએ ખલીફાની વિરૂદ્ધ પોતાના વિચાર પ્રગટ કર્યા અને ખલીફાને તેમની વાતો સાંભળવા તેને માનવા માટે વિવશ બનવું પડ્યું.
અત્રે એક વાસ્તવિકતાની વ્યાખ્યા પણ આવશ્યક છે. તે આ કે અસીમિત વ્યક્તિગત આઝાદીની અવધારણા સંપૂર્ણપણે નિરર્થક છે. માનવ ઈતિહાસમાં કોઈપણ યુગમાં વ્યક્તિગત સ્વતંત્રતાની કોઈપણ અવધારણા સંપૂર્ણપણે સ્વતંત્ર રહી નથી. પ્રત્યેક સકારાત્મક અને વિશ્વસ્ત સ્વતંત્રતા અમુક નિયમો અને સીમાઓની અંદર જ પ્રગટ થાય છે. અસીમિત સ્વતંત્રતા મનુષ્યના ભૌતિક લાભો તથા તેના માનસિક અને ભાવુક ઉદ્દેશોને ન તો કોઈ દિશા પ્રદાન કરે છે ન તો તેની ઉપર કોઈ અંકુશ મૂકે છે. પૂર્ણ વ્યક્તિગત આઝાદી સામાજિક અને સામૂહિક વ્યવસ્થાની સ્થાપના અને સુદૃઢતામાં સહાયક થતી નથી પરંતુ તેને ક્ષતિ પહોંચાડે છે.
ઈસ્લામી શિક્ષાઓ દ્વારા પ્રત્યેક પ્રગતિનો આધાર એક નૈતિક નિયમને બનાવવામાં આવ્યો છે. આ નિયમ વ્યક્તિ વિશેષ અને સમૂહમાં કોઈપણ પ્રકારનું કોઈપણ ઘર્ષણ ઉત્પન્ન થવા દેતા નથી પરંતુ બંનેને પોતાની સીમાઓ કે મર્યાદામાં રાખે છે. આ રીતે આ વાત સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય છે કે ઈસ્લામી સામાજિક વ્યવસ્થા એક એવો વૃત્ત છે જેમાં હજારો વ્યક્તિગત વૃત્ત પોતાના સ્વરૂપ, આકૃતિ અને વાસ્તવિકતામાં કોઈપણ પ્રકારનું પરિવર્તન કર્યા વિના સમાવિષ્ટ કરી શકે છે અને આ સમાજમાં વ્યક્તિગત આઝાદીની સાથોસાથ સામૂહિક એક સામાજિક આઝાદીની સંકલ્પના પણ સંભવ છે. આ સન્માન વિશેષ પ્રકારના આત્મનિર્ભર અને સ્વતંત્ર એકમોનો એક સમૂહ છે તથા આ સમાજને પોતાની આઝાદીની સુરક્ષા માટે કોઈપણ વ્યક્તિ વિશેષની આઝાદીમાં કમી (ઘટાડા)ની આવશ્યકતા નથી.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)