ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં
આજથી બીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચનો પ્રારંભ
કાનપુર, તા.૨૬
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચોની સિરીઝની અંતિમ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ ૨૮૦ રને શાનદાર જીત મેળવી હતી. આવામાં રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયાનો પ્રયાસ કાનપુર ટેસ્ટ જીતી બાંગ્લાદેશને ક્લિન સ્વીપ કરવાની સાથે-સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ તરફ આગળ વધવાનો હશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધી કુલ ૧૪ ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. આમાં પૂરી રીતે ટીમ ઇન્ડિયાનું વર્ચસ્વ રહ્યું છે. ભારતીય ટીમે ૧૨ ટેસ્ટ મેચ જીતી બાંગ્લાદેશ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. જ્યારે બે મેચ ડ્રો રહી છે. ઘરેલુ મેદાન પર ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામે રમેલી ચારેય ટેસ્ટ જીતી છે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશમાં જઈ તેની સાથે ૧૦ ટેસ્ટ મેચ રમી છે. આ દરમ્યાન ભારતીય ટીમે આઠ મેચ જીતી છે. જ્યારે બે મેચ ડ્રો રહી છે. આવામાં બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમનો રેકોર્ડ દમદાર રહ્યો છે. બાંગ્લાદેશની ટીમ આજ સુધી ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ક્યારેય જીત મેળવી શકી નથી. વાત કરીએ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. કાનપુરમાં ભારતે ૨૩ ટેસ્ટ મેચ રમી છે, એમાંથી ૭ મેચ જીતી છે, જ્યારે ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે અને ૧૩ મેચ ડ્રો રહી છે. કાનપુર ટેસ્ટની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થવાની સંભાવના છે. ચેન્નાઇ ટેસ્ટમાં ત્રણ ઝડપી બોલર રમ્યા હતા. જ્યારે કાનપુરમાં બે ઝડપી બોલર અને ત્રણ સ્પિનરોના કોમ્બિનેશન સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઊતરી શકે છે. ટીમ ઇન્ડિયાના સહાયક કોચ અભિષેક નાયરને જ્યારે મેચના એક દિવસ પહેલા સ્થાનિક ખેલાડી કુલદીપ યાદવને ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ બધું મેચના દિવસે પરિસ્થિતિઓ પર નિર્ભર કરશે. તેમણે કહ્યું કે, ભારતને આ વાતની જાણકારી નથી કે ગ્રીન પાર્કમાં કઈ પિચ પર રમશે. સિરીઝની નિર્ણાયક મેચ માટે બે પિચો તૈયાર કરવામાં આવી છે. પિચને જોયા બાદ જ ટીમ મેનેજમેન્ટ નિર્ણય કરશે કે કઈ પ્લેઇંગ ઇલેવન સાથે મેચ રમવી યોગ્ય રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ગુરૂવારે કાનપુરમાં આકાશમાં વાદળો ઘેરાયેલા રહ્યા અને પ્રથમ અને બીજા દિવસે વરસાદ પડવાની સંભાવના છે. કાનપુરમાં સંભવિત રીતે એક કાળી માટી અને એક લાલ માટીની પિચ તૈયાર કરવામાં આવી છે.