Religion

ઈસ્લામની નૈતિક વ્યવસ્થા

ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે

મનુષ્યની ભીતર નૈતિક સંવેદના પ્રાકૃતિક છે જે કેટલાક ગુણોને પ્રિય તથા કેટલાક ગુણોને અપ્રિય સમજે છે. આ સંવેદના વ્યક્તિગત સ્વરૂપે કોઈ મનુષ્યમાં ઓછી હોય કે વધારે, પરંતુ સામૂહિક સ્વરૂપે માનવતાએ હંમેશાંથી જ નૈતિકતાના કેટલાક ગુણોને ખૂબીઓ તથા ભલાઈ તેમજ કેટલાકને બુરાઈ અને અપરાધ માનવામાં આવી છે. સચ્ચાઈ, ન્યાય, વચનબદ્ધતા તથા અમાનતની હંમેશથી માનવીય નૈતિકતામાં પ્રશંસાનું પાત્ર સમજવામાં આવ્યું છે. ઉપરાંત માનવ ઈતિહાસમાં ક્યારેય એવો યુગ વિત્યો નથી જ્યારે જુઠ્ઠાણું, અત્યાચાર, અન્યાય, વિશ્વાસઘાત તથા બેઈમાનીને પસંદ કરવામાં આવ્યા હોય.
આ જ રીતે ચોરી, હત્યા, બળાત્કાર અને લાંચ-રૂશ્વતને ક્યારેય સારા કાર્ય સમજવામાં આવ્યા નથી. અપશબ્દ, દુરાચાર, ચાડીચુગલી, બર્બરતા, ઈર્ષા, તોફાનો તથા ઉપદ્રવને કયારેય પુણ્ય સમજવામાં આવ્યા નથી. મક્કાર, અહંકારી, ઢોંગી, મિથ્યાચારી, હઠધર્મી તથા લાલચું માણસોને કયારેય પણ માનવી માનવામાં આવ્યા નથી.
આનાથી વિપરીત માતા-પિતાની સેવા, સગા-સંબંધીઓની સહાયતા કે મદદ કરવી, પડોશીઓ સાથે સદ્‌વ્યવહાર, મિત્રોને સાથ આપવો, દુર્બળ લોકોને સહયોગ પૂરો પાડવો, અનાથ તથા નિઃસહાય લોકોની દેખરેખ, દર્દીઓની સારસંભાળ અને દુઃખી લોકોની સહાયતા કરવાના કાર્યોને હંમેશ પુણ્ય માનવામાં આવ્યા છે.
આ જ રીતે સામૂહિક જીવનના સારી તથા ખરાબ બાબતોમાં પણ માનવતાનો નિર્ણફ સર્વમાન્ય જ રહ્યો છે. આદર તથા સન્માનનું પાત્ર સદૈવ તે સમાજ રહ્યો છે જેમાં વ્યવસ્થા હોય, આંતરિક સહાયતા તથા સહયોગ હોય, આંતરિક પ્રેમ તથા એકબીજાના માટે શુભચિંતન હોય, સામૂહિક ન્યાય તથા સમાનતા હોય, દુર્વ્યવહાર, કુપ્રબંધન, ઊંચ-નીચ, ભેદભાવ, અસમાનતા, અન્યાય તથા અત્યાચારને કયારેય પણ સામૂહિક જીવન માટે ઊચિત માનવામાં આવ્યા નથી.
આનાથી આ જાણવા મળે છે કે વાસ્તવિક સ્વરૂપે માનવીય નૈતિકતા તે સર્વવ્યાપી અને આંતરરાાષ્ટ્રીય હકીકતો છે. જેમને બધા મનુષ્ય જાણે છે અને હંમેશથી જાણતા આવી રહ્યા છે. પાપ અને પુણ્ય કોઈ સંતાડેલી વસ્તુ નથી કે તેમને કયાંકથી શોધી કાઢવાની આવશ્યકતા હોય. એ તો માનવતાથી ઓળખી કાઢવામાં આવેલી વસ્તુઓ છે. જેનું જ્ઞાન મનુષ્યની પ્રકૃતિમાં મૂકવામાં આવ્યા છે. આ જ કારણ છે કે કુર્આન આપણી ભાષામાં પુણ્યને ‘મારૂફ’ તથા પાતને ‘મુનકર’ નામના શબ્દથી યાદ કરવામાં આવ્યા છે. અર્થાત પુણ્ય તે વસ્તુ છે જેને તમામ મનુષ્ય સારૂં કાર્ય સમજે છે અને પાપ તે જેને તમામ ખરાબ કાર્ય સમજે છે.
ઈસ્લામી નૈતિક વ્યવસ્થાનો આધાર અલ્લાહ, સંસાર તથા મનુષ્ય સંબંધી તે ઈસ્લામી ધારણાઓ તથા વિશ્વાસ છે જે ઈસ્લામી આસ્થાનુસાર મનુષ્યને આપવામાં આવ્યા છે. આ જ ઈસ્લામી વિશ્વાસ અને ધારણાઓ મનુષ્યની અંદર વાસ્તવિક અને ઉચ્ચતમ ભલાઈને સ્થાપિત કરી આપે છે, પછી તેમની જ પ્રાપ્તિ માટે મનુષ્ય હંમેશા પ્રયત્ન કરે છે.
ઈસ્લામી નૈતિક વ્યવસ્થાની વાસ્તવિક વિશેષતા આ છે કે તે સંસાર અને માનવતા સંબંધી પોતાની ધારણાઓ દ્વારા મનુષ્યને ફક્ત નૈતિકતાનો માપદંડ જ ઉપલબ્ધ કરવાનો નથી પરંતુ નૈતિક ભલાઈ અને બુરાઈના જ્ઞાનનું એક કાયમી માધ્યમ પણ પ્રદાન કરે છે. પછી પોતાના મૌલિક વિશ્વાસો અર્થાત એકેશ્વરવાદ અને આખિરત (પ્રલય બાદ તમામ મનુષ્યને પુનઃજીવિત કરી તેઓના સારા-નરસા કાર્યોનો બદલો આપવાનો દિવસ) દ્વારા મનુષ્યને તે નૈતિક મૂલ્યોનું પાલન કરવા પર વિવશ કરી દે છે.
આ રીતે ઈસ્લામ પોતાની નૈતિક વ્યવસ્થા દ્વારા માનવતાથી એક એવી જીવન વ્યવસ્થાની માંગ કરે છે જે ભલાઈ પર સ્થાપિત હોય તથા બુરાઈથી દૂર હોય. તેનું નિમંત્રણ આ જ છે કે જે ભલાઈઓને માનવતાએ હરહંમેશથી ભલું માનવામાં આવે છે. આવો તેમને સ્થાપિત કરીએ તથા તેમની ઉન્નતિમાં ભાગીદાર બનીએ અને જેમને માનવતાએ હંમેશથી ખરાબ માન્યા છે, તેઓને દબાવે તથા નેસ્તનાબૂદ કરીએ અને તેના અંત તથા વિનાશ માટે પ્રયાસરત રહીએ.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)