(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર મોટીબાણુગાર નજીક આવેલી જિનિંગ મીલમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી હતી. આગના કારણે કપાસની ૬૦૦ ગાંસડીઓ ખાખ થઈ જતા અંદાજે રૂા.સવા બે કરોડનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડે સતત આઠ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી તે ઉપરાંત ગઈ રાત્રે હાપા નજીકના ભંગારના વાડામાં અકસ્માતે આગ ભભૂકી હતી અને પત્રકાર સોસાયટીમાંં એક મકાનમાં આગનું છમકલુ થયું હતું. જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા મોટીબાણુગાર ગામ પાસેના વ્હાઈટ કોટેજ જિનિંગ મીલમાં બપોરે બે વાગ્યે આગ ભભૂકી હતી. જેની ફાયર બ્રિગેડને જાણ કરતા જામનગરથી ફાયર બ્રિગેડની એક ટુકડી ધસી ગઈ હતી. ફાયરના જવાનોએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કર્યા પછી વારાફરતી પાંચ ગાડી વડે પાણીનો મારો ચલાવાયો હતો ત્યારે રાત્રે અગિયાર વાગ્યે આગ કાબૂમાં આવવા પામી હતી. જિનિંગ મીલના સંચાલક ભાવેશ એલ.વાંસજાળિયાએ જણાવ્યા મુજબ અકસ્માતે લાગેલી આગના કારણે મીલમાં પડેલી ૬૦૦ ગાંસડી કપાસ સળગી જવા પામ્યો હતો. જેના કારણે અંદાજે રૂા.સવા બે કરોડની નુકસાની થવા પામી છે. આગનું ખરૂ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.