જામનગર, તા. ર૭
જિલ્લા પાણી સમિતિની બેઠક કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી.આ બેઠકમાં જામનગર જિલ્લામાં હાલમાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર દ્વારા વાલ્વ અંગેની ટેકનિકલ કોઈપણ પ્રકારની ખામી હોય અથવા બીજા કોઈપણ પ્રકારની ખામી હોય તો તેમનું કાયમી નિકાલ કરવા તેમજ નર્મદાના પાણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં કલેકટરએ પાણીની ચોરી અટકાવવા તમામ પ્રયત્નો કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. પાણી સમિતિ મારફત રજૂ કરવામાં આવેલ દરખાસ્તો અને ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરૃં પાડવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વધુમાં કલેકટરે લોકોને જરૃરિયાત મુજબનું પીવાનું પાણી મળી રહે તેવી વિતરણ વ્યવસ્થા ગોઠવવા અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.
હાલમાં જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૃરિયાત પપ એમએલડીની છે જેમાંથી નર્મદામાંથી ૪૧ એમએલડી તથા સ્થાનિક ડેમમાંથી ૭ એમએલડી મળી કુલ ૪૮ એમએલડી પાણી પૂરૃં પાડવામાં આવે છે. જ્યારે જિલ્લાની, શહેરની કુલ જરૃરિયાત ૧૧૮ એમએલડીની છે જેમાંથી હાલ નર્મદામાંથી ૩૨.૫૦ એમએલડી તથા સ્થાનિક ડેમમાંથી ૮૧ એમએલડી મળી કુલ ૧૧૩.૫૦ એમએલડી પાણી પૂરૃં પાડવામાં આવે છે.
પાણી પુરવઠા અધિકારીએ વિગતવાર જિલ્લામાં ઉપલબ્ધ જળાશયોના પાણી અંગેની માહિતી રજૂ કરી હતી. જિલ્લામાં કુલ ૪૩૧ ગામો અને ચાર નગરપાલિકા તેમજ એક મહાનગરપાલિકા આવેલ છે તે પૈકી જિલ્લામાં ૪૩૦ ગામોને નર્મદા પાઈપલાઈનથી કનેક્ટ કરવામાં આવેલ છે અને એક ગામને વ્યક્તિગત પાઈપલાઈન યોજનાથી કનેક્ટ કરવામાં આવેલ છે.