અમદાવાદ,તા. ૧૯
વીએચપીના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ તેમના અનશન સત્યાગ્રહના આજના ત્રીજા દિવસે સાધુ સંતો અને મહંતોની ભારે સમજાવટ અને મનામણાં બાદ પોતાનો ઉપવાસ કાર્યક્રમ સમેટી લીધો હતો. જો કે, તોગડિયાના આમરણાંત ઉપવાસ સમેટી લેવાના નિર્ણયને લઇ ભારે અટકળો અને અનેક તર્ક વિતર્કો પણ થઇ રહ્યા છે તો બીજીબાજુ,ભાજપ અને ખાસ કરીને મોદીના સમર્થક નેતાઓ આ ઘટનાક્રમને તેમની વધુ એક જીત ગણાવી રહ્યા છે. જો કે, અનશન સત્યાગ્રહ સમાપન કરવા છતાં હિન્દુઓ માટેની પોતાની લડત ચાલુ રાખશે અને સક્રિય રાજકારણમાં તેઓ આગામી દિવસોમાં મહત્વની ભૂમિકા ભજવશે એવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી. તોગડિયાએ પારણા કર્યા બાદ હવે હિન્દુઓના મુદ્દા સહિત ખેડૂતો, મજૂરો, યુવાનોના મુદ્દાઓ ઉઠાવીને દેશભરમાં ભ્રમણ કરવાની જાહેરાત કરી હતી. તેમજ આગામી સમયમાં હિન્દુ રાજનીતિ પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ પહેલા ડો.પ્રવીણ તોગડિયાને સવારે શિવસેનાએ પણ તેમને ટેકો જાહેર કર્યો હતો. તેમને મળવા માટે આજે શિવસેનાના રાષ્ટ્રીય સંગઠક બીરેન લીંબાચીયા સહિતનું પ્રતિનિધિ મંડળ આવ્યું હતું. જ્યારે મુંબઈથી શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ પણ તેમને સમર્થન આપ્યું હતું. બીજીબાજુ, ડો.તોગડિયાને મનાવવા માટે આજે ફરી એકવાર અખિલેશદાસ અવધૂત સહિતના સાધુ-સંતોએ પ્રયાસો આદર્યા હતા. સાધુ-સંતોએ ડો.તોગડિયાની લથડતી તબિયતનો પણ હવાલો આપ્યો હતો. કારણ કે, આજે સવારે જ મેડિકલ ચેકઅપ કરનાર ડોકટરે જાહેર કર્યું હતું કે,ડો.તોગડિયાનું બ્લડપ્રેશર હાઇ આવ્યું છે અને જો વધુ તબિયત બગડશે તો, તેમને હોસ્પિટલાઇઝ્ડ કરવા પડશે. એ પછી સાધુ-સંતોએ ડો.તોગડિયાને જીદ નહી રાખવા અને તેઓનું માન રાખી પારણાં કરવા અનુરોધ કર્યો હતો. જેને પગલે ડો.તોગડિયાએ સાધુ-સંતોનું માન રાખી સંતોના હસ્તે પારણાં કર્યા હતા. ડો.પ્રવીણ તોગડિયાના ઉપવાસના આજના ત્રીજા દિવસે સવારે તોગડિયા સાથે આજે એક દીકરી પણ ઉપવાસમાં જોડાઈ હતી અને જ્યાં સુધી તેઓ ઉપવાસ ન છોડે ત્યાં સુધી દીકરીએ પણ ઉપવાસ કરવાનો નિર્ણય લીધો હતો. સાધુ,સંતો અને તોગડિયા પણ દીકરીની આ વાતથી ભાવુક થયા હતા.
આ સિવાય ઉપવાસના સ્થળે ડૉ.તોગડિયાના સમર્થનમાં આવેલા સંત ધરમદાસ બાપુ તોગડિયા સાંજ સુધીમાં ઉપવાસ નહીં તોડે તો આત્મદાહ કરવાની ચીમકી આપી હતી. ત્યાર બાદ સાધુ સંતોની સમજાવટને પગલે તોગડિયાએ પારણાં કરી લીધા હતા. દરમ્યાન ડો.તોગડિયાએ જણાવ્યું હતું કે, સંતોએ તેમને સલાહ આપી છે કે તેઓ ઉપવાસનો અંત લાવે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ હિંદુઓના હિત માટે દેશમાં ભ્રમણ કરશે. રામ મંદિર, ગૌહત્યા, કોમન સિવિલ કોડ જેવા મુદ્દા ઉઠાવશે. હિન્દુઓના હિત માટેની તેમની લડત સતત ચાલુ રહેશે.