પાટણ, તા.ર૭
પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ ર૦૧૮માં લેવાયેલ પરીક્ષાઓમાં યુનિવર્સિટી દ્વારા સંલગ્ન વિવિધ કોલેજોના ૧૩૬ વિદ્યાર્થીઓ સામે કોપી કેસ નોંધાયા હતા. જે અનુસંધાને યુનિવર્સિટીની પરીક્ષા શુદ્ધિકરણ સમિતિની બેઠકમાં કોપી કેસ કરનાર તમામ વિદ્યાર્થીઓને એક વર્ષ માટે કોઈપણ શૈક્ષણિક પરીક્ષા ન આપવાની સજા ફટકારાઈ છે.
પાટણની ઉ.ગુ.યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં માર્ચ-ર૦૧૮માં વિવિધ વિષયોની પરીક્ષામાં કોપી કેસ કરતા જુદી-જુદી કોલેજોના ૧૩૬ વિદ્યાર્થીઓ સુપરવાઈઝર અને સ્કોર્ડની ટીમના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા ત્યારે આવા વિદ્યાર્થીઓ સામે કોપીકેસ કરવામાં આવ્યા હતા અને આ તમામ વિદ્યાર્થીઓને નોટિસો બજાવી તેમના ખુલાસા માંગવામાં આવ્યા હતા અને જે વિદ્યાર્થીઓ પોતાના સ્વબચાવ માટે રૂબરૂ હાજર રહેવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓની અરજીઓ મંગાવી હતી ત્યારે ૧૩૬ વિદ્યાર્થીઓ પૈકી ૯૯ વિદ્યાર્થીઓએ કોપીકેસની કબુલાત કરી હતી અને બાકીના ૩૭ વિદ્યાર્થીઓ પરીક્ષા શુદ્ધિકરણ સમિતિમાં હાજર રહ્વા જાહેર સૂચના આપવામાં આવી હતી જે પૈકી ર૪ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠકમાં પરીક્ષા નિયામક મિતુલ દેલિયા, ડૉ. લલીતભાઈ પટેલ, ગીતાબેન પટેલ સહિત સાત સભ્યોની સમિતિ સમક્ષ વિદ્યાર્થીઓના જવાબો સાંભળવામાં આવ્યા હતા અને પરીક્ષા દરમ્યાન કોપીકેસ કરનાર તમામ વિદ્યાર્થીઓનો જવાબ સંતોષકારક ન જણાતાં આવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની શૈક્ષણિક પરીક્ષાઓમાંથી એક વર્ષ માટે બાકાત કરી દેવાની સજા ફટકારવામાં આવી છે.