(સંવાદદાતા દ્વારા) સંજેલી, તા.રપ
સંજેલી તાલુકામાં મોટાકાળિયા પ્રા.શાળા આગળથી પસાર થઈ કાળિયાહેલ સિંચાઈ તળાવમાં જતા નદીના પાણીમાં ઉતરી જીવના જોખમે અભ્યાસ અર્થે બાળકો જાય છે. આ પ્રા.શાળા લગભગ ૧૯પપથી કાર્યરત છે. ગામની ચારે તરફ જંગલ અને ડુંગરાળ વિસ્તાર આવેલ છે. હાલ શાળામાં ૧થી ૮ ધોરણ કાર્યરત છે. જેમાં કુલ ૬૧ છોકરી, ૬૩ છોકરા મળી કુલ ૧ર૪ બાળકો અભ્યાસ મેળવે છે. શાળામાં પ્રવેશ કરવા માટે નદી ઓળંગવી ફરજિયાત બની છે.છેલ્લા પાંચ વર્ષથી વારંવાર ગ્રામસભામાં ઠરાવ કરી તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સંસદ સભ્ય, ધારાસભ્યને રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. જીવના જોખમે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે નદી ઓળંગવી ફરજિયાત પડે છે. શાળામાં જવા માટે નદી ઓળંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અવાર-નવાર શાળામાં તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાય છે. શાળામાં ગુણોત્સવ પણ યોજાય છે. આવતા અધિકારી, ઉચ્ચ અધિકારી, રાજકીય નેતાઓ આંખ આડા કાન કરતાં હોય છે. આશ્વાસન આપી જતા રહે છે. આ શાળામાં જવા માટે રસ્તાનો અભાવ છે. શાળા તરફ જતો રસ્તો પણ હાલ તૂટી ગયો છે. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી રસ્તો બનાવવામાં આવે તે જરૂરી છે. ગામના સરપંચ દ્વારા ગ્રામસભા દ્વારા છેલ્લા કેટલાય વર્ષથી ઠરાવો કરી પરિસ્થિતિના ફોટા સાથે મોકલી આપેલ છે.
હાલ ચાલુ થયેલ સેવાસેતુ કાર્યક્રમ પણ આ શાળામાં રાખવામાં આવ્યો હતો તે સમયે આવતા તાલુકા કક્ષાના અધિકારીઓને પણ રૂબરૂ રજૂઆત કરી સમસ્યા અંગે વાકેફ કર્યા હતા તે સમયે ટીડીઓ દ્વારા તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું.
સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે શાળામાં જવાના રસ્તા માટે તેમજ શાળા તરફ જવા માટે રસ્તાની સમસ્યા વધુ છે. શાળાના રસ્તા બાબતે તાલુકા જિલ્લા અધિકારી સંસદ સભ્ય ધારાસભ્યને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી.
– મનજીભાઈ નિસરતા, સરપંચ, ભાણપુર