(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૯
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વલથાણ ગામની સીમમાં ઉભેલી ટ્રકની ડીઝલ પાઈપ ખોલતી વખતે પાછળથી આવેલા એક ટેન્કર ચાલકે ટ્રકને ટક્કર મારી પલટી ખવડાવી ટ્રક પાસે ઉભેલા વ્યક્તિના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી તથા ટ્રક ચાલકને ઓછી વતી ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકે નોંધાયો હતો.
મૂળ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામના નાના મહોલ્લાના વતની અને છુટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવનાર ૨૪ વર્ષીય મહેબૂબ બિલાલ ટપે કામરેજ પોલીસ મથકમાં નોંધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વલથાણ ગામ પાસે ટ્રકમાં એર આવી ગયેલ હોવાથી મહેબૂબ ટ્રકની નીચે ડીઝલ પાઈપ ખોલી હતી અને તેમના ગામનો રીયાઝ ખાન નાંદીરખાન ટ્રક પાસે ઉભો હતો. આ દરમ્યાન જીજે-૧૬-એક્સ-૯૩૫૦ નંબરના ટેન્કર ચાલકે પુરપાટ ઝડપે ટેન્કર હંકારી ઉભેલી ટ્રક સાથે અથડાવી પલટી ખવડાવી ટ્રક પાસે ઉભેલા રીયાઝ ખાનના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો.