(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
સુરત મહાનગરપાલિકાના ફાઈલેરીયા મેલેરીયા વિભાગના ઉધના ઝોનના ભેસ્તાન યુનિટમાં રોજિંદા બેલદાર તરીકે છેલ્લા ચાર વર્ષથી અરવિંદભાઈ ધીરૂભાઈ પટેલ ફરજ બજાવતા હતા. તેમની નિમણૂંક સુરત મનપાના કમિશનરે અધિકારની રૂએ કરી હતી. મનપા સરકારના મજુર કાયદાઓનો પણ ભંગ કરતી હતી. કાયદેસરની પોસ્ટ ઉભી કરી નિમણૂંક આપી હોવા છતાં ચાર વર્ષની ફરજ દરમ્યાન આ રોજિંદા કામદારને કાયદા મુજબ નામ જાગ નિમણૂંક પત્ર પણ આપવામાં આવેલ નથી.
સુરત મનપાએ સને ૨૦૧૨માં ફાઈલેરીયા મેલેરીયાની કામગીરીમાં જાડાયેલા રોજિંદા બેલદારોને ગેરકાયદે એકાએક નોકરીમાંથી છુટા કરી આ કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટના એજન્સીને સોંપી દેતા રોજિંદા કામદારો નોકરી વગરના થયા હતા. આ રોજિંદા કામદારે સુરત મનપા લાલ વાવટા યુનિયનના પ્રમુખ અને એડવોકેટ વિજય શેણમારે મારફત સુરતની મજુર અદાલતમાં સુરત મનપા વિરૂદ્ધ કેસ કરતા મનપા તરફથી કોઈ અધિકારી કે એડવોકેટ હાજર ન રહ્યું હતું જેથી કેસ એક્ષ પાર્ટી તરીકે ચાલી જતા મજુર અદાલતે આ રોજિંદા બેલદારને તેઓની નોકરીમાં મૂળ જગ્યાએ નોકરીની સળંગતા સાથે પુનઃસ્થાપિત કરવા તથા આ કામદારને નોકરીમાંથી છુટા કર્યા તારીખથી ફરીથી નોકરીમાં પુનઃ સ્થાપિત કરવામાં આવે ત્યાં સુધીના સમયગાળાના ૫૦ ટકા લેખે પડેલા દિવસોનો પગાર ચૂકવી આપવા સુરત મનપાના કમિશનરને હુકમ ફરમાવ્યો છે.