જામનગર, તા.ર૪
જામનગર શહેરમાં થોડા થોડા દિવસે જુદી-જુદી અફવાઓ ફેલાઈ રહી છે જેના પગલે પોલીસ તંત્રને ભારે દોડધામ કરવી પડે છે. તમામ સ્થળોએ ચકાસણી કર્યા પછી આખરે પ્રસરેલી વાત અફવા સાબિત થાય છે, પરંતુ અફવા ફેલાવનાર હાથમાં આવતા નથી, આવી જ રીતે આજે કોઈએ જામનગરના વિકાસગૃહ રોડ પર આવેલી મહિલા કોલેજ પાસે ફાયરીંગ થયું હોવાની વાત વહેતી કરી હતી.
આ બાબતથી જિલ્લા પોલીસવડા સિંઘલ વાકેફ થયા પછી તેઓએ તુરંત જ તપાસ માટે સિટી ડી.વાય.એસ.પી. એ.પી. જાડેજાને સૂચના આપતા પોલીસ કાફલો મહિલા કોલેજ પાસે દોડયો હતો. જ્યાં તમામ સ્થળોની ચકાસણી કર્યા પછી ફાયરીંગનો કોઈ બનાવ બન્યો ન હોવાનું બહાર આવ્યું છે. આવી રીતે થોડા-થોડા દિવસે પોલીસને દોડાવવાનું કૃત્ય કરી કોઈ તત્ત્વો કઈ પ્રકારનો આનંદ મેળવે છે તે સમજાતું નથી.