(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.રર
કોડીનારના રાજકીય દુશ્મનો ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ બારડ દેદાબાપાની મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં સમાજની એકતા અને સંગઠન માટે ર૦ વર્ષ જુની દુશ્મની ભૂલી એક થયા બાદ પ્રાચી ગામે યોજાયેલા કારડિયા રાજપુત સમાજના સમૂહ લગ્નમાં પણ આ બન્ને રાજકીય ધુરંધરો એક સાથે નજરે પડ્યા હતા. તેમજ આ કાર્યક્રમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી કાર્યક્રમમાં હાજર કારડિયા રાજપુત સમાજના રાજકીય ધુરંધરો પૂર્વ ધારાસભ્ય જશાભાઈ બારડ અને ગોવિંદભાઈ પરમારને પણ સમાજ માટે એક થવાનું જણાવી અમે બન્ને (દિનુભાઈ અને ધીરૂભાઈ) સમ ખાઈને કહેવા તૈયાર છીએ કે અમો ભેગા છે. તમે બંને પણ ભેગા રહો બધા ભેગા મળીને રહેશો તો સમાજ તૂટશે નહીં હોવાનું જણાવ્યાનો વીડિયો વાયરલ થયો છે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને ધીરૂભાઈ બારડની દોસ્તી અને ગીરસોમનાથના અન્ય રાજકીય દિગ્ગજોને એક કરવાની માર્મિક ટકોરથી લોકસભા ચૂંટણી પહેલા કોડીનાર સહિત જિલ્લાભરના રાજકીય સમીકરણોમાં ભારે ઉથલપાથલ સર્જાવાની શક્યતાઓ સર્જાઈ છે.