(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
આ વર્ષે અનેક કારણોસર ગુજકેટની પરીક્ષાની તારીખોમાં ચાર વખત ફેરફાર કરાયો છે. અંતિમ ફેરફાર મુજબ ૨૬મી એપ્રિલે રાજ્યભરમાં ગુજકેટ લેવાનાર છે. ધો.૧૨ સાન્યસના એ ગુ્રપ, બી ગુ્રપ અને એબી એમ ત્રણેય ગુ્રપના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ લેવાશે અને રાજ્યની ઈજનેરી-ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે ગુજકેટ ફરજિયાત છે. આ વર્ષે ગુજકેટ માટે ૧.૩૫ લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ગત મહિને પૂર્ણ કરી દેવાયું છે પરંતુ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મમાં વિદ્યાર્થીએ કોઈ પણ વિગતો સુધારવી હોય તે માટે બોર્ડે ૨૩મી માર્ચ સુધીની મુદ્દત આપી છે. જ્યારે બોર્ડ દ્વારા આજે કરાયેલા પરિપત્ર મુજબ વિદ્યાર્થીએ ગુજકેટની પરીક્ષામાં બોર્ડે આપેલ સ્ટુડન્ટ આઈડી કાર્ડ અથવા અન્ય ફોટો આઈડી લાવવુ ફરજિયાત છે. મહત્ત્વનું છે કે, મૂળ વિદ્યાર્થીને જગ્યાએ અન્ય કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે અને રીસિપ્ટમાં છેડછાડ કરીને અન્ય કોઈ ડમી વિદ્યાર્થી પરીક્ષા ન આપે તે માટે સ્ટુડન્ટ આઈડી અથવા ફોટો આઈડી ફરજિયાત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.