અમદાવાદ,તા. ૧૦
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી નંદીની સોસાયટીમાં રહેતી મહિલાઓની ટેમ્પો ટ્રેક્સને નવસારી પાસે અકસ્માત થતાં સાત જણાંના કરૂણ મોત નીપજ્યા હતા. આ મહિલાઓ વરાછાની ટેમ્પો ટ્રેક્સ ભાડે કરી દહાણું દર્શને ગયા હતા, ત્યાંથી પરત ફરતી વખતે આ ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આઘાતજનક વાત એ છે કે, ટેમ્પોટ્રેક્સમાં પંકચર પડયું હોવાથી તેને રોડની સાઇડમાં ઉભી રાખી દેવાઇ હતી અને તેમાં બઠેલા મુસાફરો પણ નીચે ઉતરીને સાઇડમાં ઉભા હતા પરંતુ તેમછતાં માંતેલા સાંઢની જેમ આવેલી ટ્રકના ચાલકે આ તમામ પર ચઢાવી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક દિવસના પ્રવાસમાં બે વ્યકિતના જન્મ દિવસ હોવાથી ગત રોજ ટેમ્પોટ્રેક્સમાં જ ઉજવણી કરવામાં આવી હતી પરંતુ જન્મદિવસની ઉજવણી શોક અને માતમાં ફેરવાઇ ગઇ હતી. આ ગોઝારો અકસ્માત નજરે જોનાર હંસાબેને ફુલવાળા જણાવ્યું હતું કે, નંદીની સોસાયટીમાં રહેતી મહિલાઓએ દહાણું દર્શને જવાનું આયોજન કર્યું હતું. ગઇકાલે સવારે ૫ વાગ્યે સોસાયટીના તમામ લોકો નીચે એકઠાં થયા હતા. ટેમ્પોટ્રેકસની પૂજા કરી ૪૫થી ૫૦ દર્શનાર્થીઓ બેઠા હતા અને સુરતથી ડાયરેક્ટ દહાણું ચાલ્યા ગયા હતા. દરમ્યાન મારો અaને રમણભાઈનો જન્મ દિવસ હોવાથી ટેમ્પોટ્રેક્સમાં જ જન્મ દિવસની ઉજવણી કરી હતી. નાચી કૂદીને મસ્તી સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી. તેમણે ઉમેર્યું કે, રમણભાઈના દીકરાના લગ્નમાં અમને લોકોને બોલાવ્યા ન હતા. જેથી હોટલમાં તમામ લોકોને જમાડ્યા હતા. ત્યારબાદ તિથલ સાંઈબાબાના દર્શન કરી રાબડા દર્શન કરવા ગયા દરમ્યાન પરત ફરતી વખતે નવસારી હાઈવે પર ધોળાપીપળા ગામ પાસે ટેમ્પોટ્રેક્સમાં પંચર પડ્યું હતું. જેથી ટેમ્પોટ્રેક્સ રોડની સાઈડમાં ઉભી રાખી દેવામાં આવી હતી. જેથી તમામ લોકો નીચે ઉતરી ગયા અને સામાન તેમાં જ રહેવા દીધો હતો. રોડ સાઈડમાં તમામ લોકો લાઈનમાં ઉભા હતા. ચાર-પાંચ લોકો ટેમ્પોટ્રેક્સ પાસે ઉભા હતા. દરમ્યાન પાછળથી એક પૂરપાડ ઝડપે ટ્રક આવ્યો અને ટક્કર મારી હતી. ટક્કર મારતા જ ટેમ્પોટ્રેક્સ ઉભેલા તમામને ઉડાવી આગળ જતી રહી હતી. તમામ લોકો બુમાબુમ કરવા લાગ્યા હતા. ઘણા લોકો આ ઘટના જોઈને બેભાન થઈ ગયા હતા. આસપાસથી દોડી આવેલા ગામ લોકોએ મદદ કરી હતી. આટલી બધી લાશો જોઈને તમામ હેબતાઈ ગયા હતા. ચંપાબેન, રમિલાબેન, સવિતાબેનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચારના મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. એક જ સોસાયટીના પાંચ લોકાના મોતના પગલે સોસાયટીમાં શોકનો માહોલ છવાયો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને સારવાર માટે નવસારીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાબતે નવસારી ગ્રામ્ય પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
ચંપાબેન કાન્તીભાઇ લિંબાચિયા (ઉ.વ. ૫૬)
સવિતાબેન વનમાળી પ્રજાપતિ (ઉ.વ. ૭૮)
રમણભાઈ ગોવિંદભાઇ પટેલ ( ઉ.વ. ૭૪)
લતાબેન ભોગીલાલ પટેલ
નિરૂબેન રતિલાલ પટેલ
રમિલાબેન કિર્તીભાઈ
એકની ઓળખ થઈ નથી