છાપી, તા.૧૧
મોટાસડા ગામ પાસે અલ્ટો કાર અચાનક સળગી ઊઠી હતી. જેમાં વડગામ તાલુકાના સકલાણા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિલીપભાઇ પરમારનું મોત થયું હતું.
વડગામ તાલુકાના રૂપાલના રહેવાસી દિલીપકુમાર સદાભાઇ પરમાર સકલાણા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેઓ પોતાની ગાડી લઇ દાંતા તરફ જઇ રહ્યા હતા. ત્યારે મોટાસડા પાસે તેમની ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ગાડી સળગી ઊઠી હતી. દરમિયાન તેઓ બહાર ન નીકળી શકતા આગમાં ભડથું થઈ ગયા હતા. બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતાં પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા હતા. બીજી તરફ ગામમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ બનાવને પગલે દિલીપભાઇના પરિવારજનોના માથે પણ આભ તૂટી પડ્યું છે.