(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
શહેરના અલગ-અલગ મોલમાં મોટા પ્રમાણમાં પુરૂષ અને સ્ત્રી માટેના મસાજ પાર્લરો ચાલી રહ્યાં છે. પોલીસને મળેલી એક બાતમીના પગલે ઉમરા પોલીસ મથકમાં શહેરના જુદા જુદા પોલીસ મથકોમાંથી પોલીસ કર્મચારીઓને બોલાવી વિવિધ ૧૦ ટીમો બનાવી ઉમરા, પીપલોદ અને ડુમસ વેસુ વિસ્તારના સ્પા કેન્દ્રો પર દરોડા પાડ્યા હતા. જાકે, બે કલાક ચાલેલી દરોડાની કાર્યવાહી દરમ્યાન પોલીસને કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગતરોજ સાંજના સુમારે ઉમરા પોલીસ મથકમાં પાંડેસરા, સચીન, અઠવા,અને ખટોદરા પોલીસ મથકોના પીએસઆઈ તથા પોલીસ જવાનોને બોલાવાયા હતા. વેસુ, પીપલોદ, ડુમસ રોડ વિસ્તારમાં આવેલા રાહુલ રાજ મોહલ, રૂંગટા સહિલ અન્ય મોલમાં ચાલતા કેન્દ્રો પર ૧૦ ટીમોએ દરોડા પાડી તપાસની કામગીરી શરૂ કરી હતી. દરોડા દરમ્યાન પોલીસે ખૂબ જ ઝીણવટપૂર્વકનું ચેકિંગ કર્યું હતું. પરંતુ સ્પા કેન્દ્રો પોલીસને કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી ન હતી. દરોડાની કામગીરી સાંજના ૭ થી રાત્રિના ૯ કલાક સુધી ચાલી હતી હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસને બાતમી મળી હતી કે, સેન્ટ્રલ મોલ, ઈસ્કોન મોલ, રઘુવીર કોમ્પ્લેક્ષ, રાહુલ રાજ મોલ, વી.આર. મોલમાં સ્પા કેન્દ્રો ચાલે છે અને તેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસે આ ગોરખધંધા બંધ કરાવવા માટે જડબેસલાક કામગીરી શરૂ કરી હતી. મોડી રાત સુધી ચાલેલી કાર્યવાહી દરમ્યાન પોલીસને કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર ઉમરા, વેસુ, ડુમસ રોડ, પીપલોદ તથા વી.આઈ. પી. રોડ પર જ નહીં પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ સ્પા કેન્દ્રોને સપાટામાં લેવાવા જાઈએ.