નવી દિલ્હી, તા.૨૭
યજમાન ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ૧૦ વિકેટે પરાજય પછી ટીમ ઇન્ડિયાની ટીકા થઈ રહી છે. વિરાટ કોહલીની આગેવાનવાળી ટીમ વેલિંગ્ટન ટેસ્ટમાં દરેક વિભાગમાં ફ્લોપ રહી હતી. ભારતીય ટીમ પ્રથમ દાવમાં ૧૬૫ અને બીજા દાવમાં ૧૯૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પ્રવાસમાં ભારતનો સતત ચોથો પરાજય છે. આ પહેલા ટીમે ૦-૩થી વન-ડે શ્રેણી ગુમાવી દીધી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ હવે ૨૯ ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટમાં ટકરાશે. આ પહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકરે ટેસ્ટ શ્રેણી માટે ટીમને ચેતવણી આપી છે.વેંગસરકરના મતે ભારતીય ટીમના પરાજયનું સૌથી મોટું કારણ સ્થિરતાથી કમી છે. ટીમને સ્થિર થવાની તક મળતી નથી. ઓપનિંગ જોડી નક્કી થઈ શકતી નથી. મિડલ ઓર્ડરની પણ ખબર નથી. હાર પછી ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પોતાની ટીમને સકારાત્મક ઇરાદા સાથે મેદાનમાં ઉતરવાનો આગ્રહ કર્યો હતો.પૂર્વ પસંદગીકાર વેંગસરકરે ચેતેશ્વર પૂજારા ઉપર પણ ઇશારો કર્યો હતો. પૂજારા વિશે કહ્યું હતું કે, તેણે ઘણા રન બનાવ્યા છે પણ તેણે સ્ટ્રાઇક રોટેટ કરવામાં સક્ષમ થવું જોઈએ નહીંતર બીજા છેડા ઉભેલો બેટ્સમેન ત્યાં ઊભા-ઊભા પોતાની લય ગુમાવી દેશે અને મુશ્કેલીમાં ફસાઇ જશે.