(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૬
અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેશર સીસ્ટમના કારણે ગુજરાતમાં હવામાનમાં બે દિવસથી પલ્ટો આવ્યો હતો અને શીતલહેર ફેલાઈ હતી. અમદાવાદ સહિતના કેટલાક શહેરમાં વરસાદ પડ્યા બાદ આજે સવારે સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે નોકરી અને કામ ધંધા પર જતા લોકો ભીંજાયા હતા. રસ્તા પરના ખાડા ખાબોચીયા વરસાદી પાણીથી ભરાયા હતા. શીયાળાની ૠુતુના છેલ્લા છેલ્લા દિવસોથી અને ઉનાળાની શરુઆત થવાની છે. તે વચ્ચે આજે સવારે પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને તેમના પાક ભીંજાઈ જતા નુકશાન થવાની ભીંતિ સેવાઈ રહી છે.
ગણતરીની મીનીટો સુધી વરસાદ પડ્યો હતો પરંતુ રસ્તા પરના ખાડા ખાબોચીયાથી ભરાયા હતા.
કમોસમી વરસાદને કારણે સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં ગુજરાતના હસ્તકળા કારીગરો માટે શરૂ કરાયેલો સરસ મેળો કમોસમી વરસાદના કારણે કદરૂપો બનવા સાથે કારીગરો માટે આફત રૂપ બની ગયો છે. મેળા માટે બનાવેલા કાપડના સ્ટોલના કારણે કારીગરોને મોટું નુકશાન થયું છે. વરસાદની આગાહી છતાં પણ કાપડના સ્ટોલ મૂકતા કારીગરોને ભારે નુકશાન થયું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
ઉપરાંત અડાજણ જીલાની ફ્લાય ઓવરબ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત બાદ ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે, અકસ્માતમાં બન્ને કારના ડ્રાઈવરોને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.બર્મનએ જણાવ્યું હતું કે, હાલ અમરોલી, પાંડેસરા સહિતના વિસ્તારોમાંથી લગભગ ૪ કેસ રોડ અકસ્માતના આવ્યા છે. જે તમામ કમોસમી વરસાદ બાદ ભીના રોડને લઈ સ્લીપ ખાઈ ગયા હોય એમ કહીં શકાય છે.
પુણા વિસ્તારમાં કમોસમી વરસાદથી પાણી ભરાતાં પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા
પુણા વિસ્તારમાં અર્ચના સ્કૂલ આસપાસના વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયાં હતાં. જેથી વાહન ચાલકોના બાઈક મોપેડ બંધ પડી ગયાં હતાં. પાણી ભરાઈ જવાના કારણે વાહનો બંધ પડી ગયાં હતાં. પુણા બ્રિજ પરથી નીચે ઉતરતાં જ પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી હતી. વિવિધ વિસ્તારોમાં પાલિકા દ્વારા રિપેરીંગથી લઈને ખાડાઓ ખોદવામાં આવ્યાં હોવાથી તેમાં પાણી ભરાઈ ગયાં હતાં. બીજી તરફ ગટરમાં પાણી ન જઈ શકતાં પાણી ભરાયા હતાં. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.