અમદાવાદ, તા.૧૧
ઘણા લાંબા સમયના આંદોલન બાદ માનેલી સરકારે આખરે આજે મહિલા એલ.આર.ડી. ભરતીના પરિણામ જાહેર કર્યા છે. ૩૦ દિવસના આમરણાંત ઉપવાસ અને ૭૨ દિવસના આંદોલનના ખુબ લાંબા સંઘર્ષ બાદ તમામ દીકરીઓ અને આંદોલનકારીઓએ સરકાર અને ગૃહમંત્રીની બાંહેધરી-આશ્વાસન અને પ્રેસ કોન્ફરન્સ બાદ આંદોલન સમેટ્યું હતું. આજે પરિણામ જાહેર થતાં જ તમામ દીકરીઓ અને આંદોલનકારીઓની સંઘર્ષપુર્ણ લડાયક મિજાજથી ચાલેલ ઐતિહાસિક લડત સફળ થઈ છે.
લાંબા વિવાદ બાદ સરકારે સુધારા સાથે લોકરક્ષક દળનું પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામ રાત્રે ૨ વાગ્યાની આસપાસ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. LRDનું પરિણામ જાહેર કર્યા બાદ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો કોઇ પરિક્ષાર્થીને આ પરિણામને લઇને કોઇ વાંધો હોય તો તે રજૂઆત કરી શકે છે. નોંધનીય છેકે, ૧૦ ડિસેમ્બરના પરિણામને લઇને મહિલા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો અને આંદોલન કર્યું હતું. પરિણામને લઇને હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. આંદોલન ઉગ્ર બનતા સરકારે ૧૦ ડિસેમ્બરે જાહેર કરેલા પરિણામમાં સુધારો કરીને નવું પરિણામ જાહેર કર્યું છે.