લાંબો સમય આંદોલન ચાલ્યા બાદ રાજ્ય સરકારે આજે સુધારા સાથે LRDનું પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામને લઈને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભાના પગથિયે ધરણાં કરી જણાવ્યું કે, આ પરિણામ લોલીપોપ સમાન છે. SC, STઅને OBC સમાજના અનામત અંગેના પરિપત્રને રદ કરવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે તે બાબતની કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ઉપરાંત કઈ તારીખે બહેનોને ઓર્ડર આપી નોકરી પર લેવામાં આવશે જેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મેવાણીએ આગળ કહ્યું કે, એવા કેટલાય ભાઈઓ-બહેનો છે, જેનું મેરિટ જનરલ મેરિટમાં આવતી બહેનો કરતાં પણ વધુ છે, આમ છતાં આ બહેનોને દલિત સમાજની કેટેગરીમાં જ મુકવામાં આવી છે. આ જ અનુભવ ST અને માલધારી સમાજને પણ થયો છે. પરિણામે એક નવેસરથી જ આંદોલન શરૂ કરવો પડે તેવો માહોલ ઊભો થયો છે. બીજી તરફ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરાયા બાદ હવે ક્યારે લેવામાં આવશે, તે પણ સરકાર દ્વારા જણાવવામાં આવતું નથી.