વડોદરા, તા.૧ર
સુપ્રીમકોર્ટ દ્વારા અર્નેશકુમાર વિરૂદ્ધ સ્ટેટ ઓફ બિહારનું જજમેન્ટ વર્ષ ર૦૧૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. જે જજમેન્ટમાં ૭ વર્ષ સુધીની સજાવાળા ગુનાઓમાં પોલીસોને એવું લાગે આરોપીઓને ખોટી રીતે હેરાન કરવા માટે ફરિયાદ થયેલ છે તેવું જણાય તો તેવા સંજોગોમાં ૭ વર્ષ સુધીના ગુનાઓમાં પોલીસ સ્ટેશનમાં પોલીસે સત્તાનો ઉપયોગ કરી તેઓને જામીન પર મુક્ત કરવા જોઈએ. તેમ વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું છે. બરોડા બાર એસોસિએશને જણાવ્યું છે કે પોલીસ અધિકારીઓ દ્વારા આ જજમેન્ટનું ખોટું અર્થઘટન કરી તમામ ગુનાઓમાં આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી ભ્રષ્ટાચાર કરી જામીન પર મુક્ત કરી દેવામાં આવે છે. જ્યારે કોઈ આરોપી પૂરતો વ્યવહાર ન કરી શકે તો તેને કોર્ટ સમક્ષ ચેક લીસ્ટ સાથે રજૂ કરવામાં આવે છે. આમ આ ચુકાદાના અર્થઘટનમાં નાણાંકીય વ્યવહાર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેને કારણે સમાજમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી ગયેલ છે. આ પદ્ધતિના કારણે જે લોકોએ ગુનો કરેલ ન હોય છતાં પણ તેઓને પોલીસ ખોટી રીતે હેરાન કરી રહેલ છે. અને કાયદાકીય રીતે સી.આર.પી.સી. કલમ-૪૧(ક) અન્વયે પોલીસ અધિકારીઓ જેની સામે ફરિયાદ થઈ હોઈ તેને હાજર રહેવા માટે નોટિસ પણ આપતા નથી. આમ કાયદાની પ્રક્રિયાનું ખુલ્લેઆમ પોલીસ સ્ટેશનમાં ઉલ્લંઘન કરવામાં આવી રહેલ છે. અર્નેશકુમાર વિરૂદ્ધ સ્ટેટ ઓફ બિહારના જજમેન્ટમાં સ્પષ્ટ જણાવેલ છે કે, જો પોલીસ અધિકારીને ઈન્વેસ્ટીગેશન દરમ્યાન એવું જણાઈ આવે કે, આ આરોપીને હેરાન કરવા ખોટો કેસ દાખલ કરેલ છે તો તેવા કેસોની અંદર તેઓએ આરોપીઓને પોલીસ સ્ટેશનને મુક્ત કરવા જોઈએ. તેના બદલે હાલમાં તમામ કેસોમાં જ પોલીસ સ્ટેશનમાં આરોપીઓને મુક્ત કરવાની પદ્ધતિ આ જજમેન્ટના અનુસંધાનમાં પોલીસ અધિકારીઓ અપનાવી રહેલ છે અને કોર્ટમાં આરોપીઓને રજૂ કરવાની પદ્ધતિ સંપૂર્ણ બંધ કરી દીધેલ છે.
આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આરોપીઓના વકીલોને સુપ્રીમકોર્ટના આ આદેશને ટાંકી પોલીસ અધિકારી સ્પષ્ટ જણાવે છે કે તમારી આ કેસમાં કોઈ જરૂર નથી આ પદ્ધતિ પણ પોલીસ સ્ટેશનમાં બંધ કરવા જણાવાયું છે. આ તમામ બાબતે એક આવેદનપત્ર વડાપ્રધાન, ગૃહમંત્રી, કાયદાપ્રધાન સહિત સંબંધિતોને પાઠવવામાં આવ્યું છે.