વડોદરા, તા.૧૩
વડોદરામાં કોરોના પોઝિટિવ કેસો વધતા નાગરવાડા અને તાંદલજા વિસ્તારમાં રેડ ઝોન જાહેર કરાયા બાદ કોરોના સંક્રમણ વધુ વિસ્તારમાં ફેલાય નહીં તે માટે શહેરના ઘણા વિસ્તારોને યલો અને ઓરેન્જ ઝોનમાં ફેરવી દેવાયા છે. જ્યાં રહેતા લોકોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં શંકાસ્પદ કેસો જણાય તો તેના સેમ્પલ લેવાની શરૂઆત થઈ છે. આ બંને ઝોનના ગાજરાવાડી, કિશનવાડી અને તરસાલી વિસ્તારમાં ૯૪ ટીમ મોકલવામાં આવી હતી, જેમાં ૧પ,૪૩પ ઘરના ૮૧,૬૪૭ લોકોને આવરી લીધા હતા, જેમાં છ શંકાસ્પદ કેસ જણાયા હતા.આમાંથી પાંચ કેસ કારેલીબાગના અને એક નવાયાર્ડનો હતો જેને ગોત્રી શિફ્ટ કરાયો છે. તાંદલજા વિસ્તારમાં લીધેલા સેમ્પલ પૈકી ર૦ નેગેટીવ આવ્યા હતા. સર્વેમાં જતો સ્ટાફ પ્રોટેક્ટેડ કિટ પહેરીને એમ્બ્યુલન્સમાં બેસીને શંકાસ્પદ કેસના નમૂના લેવાની કામગીરી કરે છે.