જામનગર, તા.૨૫
જામનગર શહેર-જિલ્લામાં કોરોના વાયરસનું પ્રમાણ જેટ ગતિએ વધી રહ્યું છે. જામનગર જિલ્લાના જામજોધપુરના ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી પણ કોરોનાની ઝપટમાં આવી જતા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. ગઈકાલે બપોરથી આજે બપોર સુધીમાં વધુ બાર દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. તો કુલ આઠ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આજે વધુ બાર કેસ પોઝિટિવ મળ્યા છે જેમાં ગાંધીનગર ગોકુલ એવન્યુમાં રહેતા ૩૭ વર્ષના મહિલા, ચાંદીબજાર કલ્યાણજી ચોક, ઝવેરી ડેલીમાં રહેતા ૪૮ વર્ષના મહિલા બુરહાની પાર્ક, કાલાવડનાકા બહાર રહેતા ૭૬ વર્ષના પુરૂષ, વાલ્કેશ્વરીનગરી અમિત રેસિડેન્સીમાં રહેતા ૩પ વર્ષના પુરૂષ, સાંઢિયા પુલ પાસે કોપર સિટીમાં રહેતા ૩૮ વર્ષના પુરૂષ, મેડિકલ કેમ્પસમાં રહેતો રપ વર્ષનો તબીબી યુવાન અને ધ્રોળની ગજાનન સોસાયટીમાં રહેતા પ૦ વર્ષના મહિલા, પટેલ પાર્ક સાંઈબાબા મંદિર પાસે રહેતાં ૬પ વર્ષના મહિલા, રણજીતસાગર રોડ પર વસંત વાટીકા શેરી નં. ૭માં રહેતાં ૪૭ વર્ષના મહિલા, રામેશ્વરનગર, નૂતન નગર ચામૂંડા પાન સામે બાવન વર્ષના સ્ત્રી, ગુલાબનગર નારાયણનગરમાં રહેતાં ૪૧ વર્ષના પુરૂષ અને બેડેશ્વર ગાયત્રીનગર વિસ્તારમાં રહેતાં ૩ર વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લાના જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલારિયા પણ કોરોના સંક્રમિત બન્યા છે. તેઓ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમને રાજ્યસભાની ચૂંટણી દરમિયાન સંક્રમણ લાગું પડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તો જામનગર જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી કંચનબેન પરમાર પણ કોરોના સંક્રમિત બનતા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
ગઈકાલે સાત અને આજે એક મળી કુલ આઠ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, તો ગઈકાલના ૬ અને આજના નવ મળી કુલ ૧પ દર્દીઓને ગુલાબકુંવરબા આયુર્વેદ કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે જેઓ પોઝિટિવ છે, પરંતુ કોઈ લક્ષણો ધરાવતા નથી. હાલ આઈસોલેશન વોર્ડમાં કુલ ૭૦ દર્દીઓ દાખલ છે.