વડોદરા, તા.ર૭
વડોદરા શહેરમાં છેલ્લા ૧૦૦ દિવસથી કોરોના વાયરસનો કહેર યથાવત છે. વડોદરામાં કોરોનાનો પહેલો કેસ ૨૦ માર્ચના રોજ નોંધાયો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ ૨૦૮૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે, તે પૈકી હાલ માત્ર ૫૭૧ એક્ટિવ કેસ છે અને ૧૪૬૬ દર્દીઓ રિકવર થયા છે. જો કે, ચોંકાવનારી બાબત તો એ છે કે, વડોદરામાં નોંધાયેલા ૨૦૮૭ પોઝિટિવ કેસ પૈકી ૪૯ ટકા જેટલા યુવાન દર્દીઓ સંક્રમિત થયા છે. જેમની ઉંમર ર૧થી પ૦ વર્ષની છે. સામાન્ય રીતે વૃદ્ધો અને બાળકો કોરોના વાયરસની વધારે અસર થાય છે. પરંતુ વડોદરામાં સૌથી વધુ યુવાનો કોરોનાની ચપેટમાં આવ્યા છે.
વડોદરા શહેરમાં અનલોક-૧માં કોરોના વાયરસના કેસ ખૂબ જ વધી રહ્યા છે. છેલ્લા ૧પ દિવસથી વડોદરા શહેરમાં કોરોના વાયરસના કેસની સંખ્યા રોજ ૪૦થી ૪પ સુધી પહોંચી ગઈ છે. જો કે, વડોદરામાં છેલ્લા એક અઠવાડિયામાં ટેસ્ટીંગ પણ વધારવામાં આવ્યું છે. પહેલા રોજ સરેરાશ ૧પ૦થી ૧૬૦ ટેસ્ટ કરવામાં આવતા હતા હવે રોજ રપ૦થી ર૬૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે જેના કારણે પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી લેવાયેલા કુલ ૧૪,ર૪૪ સેમ્પલમાંથી ૨૦૮૭ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ ૧૪.પ૮ ટકા સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.
વડોદરા શહેરમાં હાલ ૧૦,ર૪૩ ઘરમાં ૪૩,૭૬૦ લોકો રેડ ઝોનમાં છે જ્યારે ૧૪,૯પ૩ ઘરમાં ૬૩,૩૮૪ લોકો ઓરેન્જ ઝોનમાં છે અને ર૪,૬૬ર ઘરમાં ૯૯,૯૦પ લોકો યલો ઝોનમાં છે. વડોદરા શહેરમાં હાલ ૭૦.ર૪ ટકા રિકવરી રેટ છે અને કોરોના વાયરસના કુલ કેસ પૈકી ર૭.૩પ ટકા કેસ એક્ટિવ છે અને ર.૩૯ ટકા ડેથ રેશિયો છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી કુલ ર૦૮૭ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જે પૈકી ૭પ૯ મહિલા દર્દી જ્યારે ૧૩ર૮ પુરૂષ દર્દીનો સમાવેશ થાય છે.
વડોદરા શહેરમાં અત્યારે કુલ પ૭૧ દર્દી કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ૧૧૮ દર્દી ગોત્રી હોસ્પિટલમાં, ર૧૯ દર્દી ખાનગી હોસ્પિટલમાં, ૩૦ દર્દી કોવિડ કેર સેન્ટરમાં અને ૧૪૬ દર્દી હોમ આઈસોલેશનમાં છે.