(સંવાદદાતા દ્વારા)
પાલનપુર, તા.૨
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ બેકાબુ બની રહ્યો છે. જ્યાં ગુરુવારે વધુ ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા. પાલનપુરમાં ૫ અને ડીસામાં ૧૦ નવા કેસ સામે આવતાં પ્રજાજનોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે. આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમોનું કડક રીતે પાલન થાય તે માટે કાર્યવાહી વધુ સઘન બનાવી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા છ દિવસથી કોરોના વાયરસ બે કાબુ બન્યો છે. જેમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં જ ૪૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં ગુરુવારે કોરોનાનો વિસ્ફોટ થયો હતો. અને એક સાથે વધુ ૧૫ કેસ નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, પાલનપુરમાં ૪, ડીસામાં ૧૦ અને વડગામના ધોતામાં ૧ પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દરમિયાન જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૩૭ પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૧૨ થયો છે.